આબુરોડ નજીક બનાસનદીમાં નહાવા પડેલા ત્રણ બાળકોના ડુબી જતા મોત
- પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ કરતાં નદીમાંથી મૃતદેહ મળ્યા
- બાળકો ક્રિકેટ રમવા ગયા બાદ નહાવા માટે બનાસનદીમાં પડ્યા હતા,
- મૃતક ત્રણ બાળકોમાં બે સગાભાઈઓના મોતથી અરેરાટી પ્રસરી ગઈ
પાલનપુરઃ શહેર નજીક આવેલા રાજસ્થાનના આબુરોડ પાસેની બનાસનદીમાં નહાવા ગયેલા બે સગાભાઇ સહિત ત્રણ બાળકોના ડૂબી જતા મોત થયા હતા. બાળકો ક્રિકેટ રમવા ગયા પછી ઘરે પરત ન ફરતા તેમના વાલીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન નદી કિનારેથી બેટ દડો અને કપડાં મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ જવાનો અને તરવૈયાઓની મદદથી નદીના પાણીમાં તપાસ કરતા ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.એક પરિવારના બે બાળકો સહિત ત્રણ બાળકોના મોતને લઈ પરિવાર સહિત પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા આબુરોડના માનપુર હવાઇપટ્ટી વિસ્તારમાં રહેતા ચંદુ રાજુરામ (ઉ.વ. 14), ગલારામ ભાનારામ (ઉ.વ. 12) અને કાલુ ભાનારામ (ઉ.વ. 10) સાંજે ક્રિકેટ રમવા ગયા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. અને આબુરોડ શહેર પોલીસને જાણ કરી હતી. જે દરમિયાન શહેર નજીક અમરાપુરી સ્થિત બનાસનદીના કિનારે બેટ, દડો અને કપડાં મળી આવ્યા હતા. પોલીસે તરવૈયાઓની મદદથી નદીના ખાડામાં શોધખોળ કરતાં ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. બે સગાભાઇ સહિત ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.પરિવારે આક્રંદ મચાવ્યો હતો.