અરવલ્લીના અણસોલ નજીક ટેન્કરની ટક્કરે બાઈકસવાર ત્રણ લોકોના મોત
- અકસ્માત બાદ ટેન્કરચાલક નાસી ગયો
- સ્થાનિક લોકોએ હાઈવે પર કર્યો ચક્કાજામ
- શામળાજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોડાસાઃ અરવલ્લીના અણસોલ નજીક ગત મોડી રાત્રે એક ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને એમ્બ્યુલન્સ બોલાવે તે પહેલા જ ગંભીર ઇજાના કારણે બાઈક પર સવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યાં હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અણસોલ પાસે હાઈવે પર મોડી રાત્રે પૂરફાટ જતા ટેન્કરે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણે વ્યક્તિના મૃતદેહનો પીએમ અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. શામળાજી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થનાર વાહન ચાલકને શોધવા તજવીજ હાથ ધરી.
આ ગંભીર અકસ્માતના કારણે ત્યાંના સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો. અકસ્માતને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. જેના કારણે બીજા વાહનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે સર્વિસ રોડ પરથી પસાર થતા ભારે વાહનોના કારણે વારંવાર આ સ્થાન પર અકસ્માતના બનવા બનતા હોય છે. જેને લઈને લોકોએ અનેક વખત આ સમસ્યા દૂર કરવા તંત્રને રજૂઆત કરી હતી.