કેરલમાં સીએમ આવાસ અને મુખ્યમંત્રી કાર્યાલવને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
બેંગ્લોરઃ કેરલમાં મુખ્યમંત્રી કાર્યાલય અને સત્તાવાર નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની મદદથી સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. જો કે, પોલીસની તપાસ દરમિયાન કંઈ વાંધાજનક મળી નહીં આવ્યાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કેરળમાં મુખ્યમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ક્લિફ હાઉસ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ કામ સંભાળી ચૂકી છે અને બંને સ્થળોએ શોધખોળ હાથ ધરી છે. સીએમઓએ આ વાતની પુષ્ટિ કરી છે. આ પહેલા, રવિવારે વહેલી સવારે તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જોકે, પાછળથી તે અફવા હોવાનું બહાર આવ્યું હતું. આ ધમકી ઈ-મેલ મોકલીને આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ ઈ-મેલ એરપોર્ટ મેનેજરના સત્તાવાર ઈમેલ આઈડી પર મળ્યો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, 'માહિતી મળતાં, કેરળ પોલીસ અને CISFના જવાનોએ એરપોર્ટ અને તેના પરિસરની સઘન તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.'