ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લિટર ઘીનો અભિષેક કરાયો
- પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા,
- રૂપાલ ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી,
- શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ,
ગાંધીનગરઃ જિલ્લાના રુપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની દર વર્ષેની જેમ નવરાત્રીની નોમની રાતે પલ્લીની યાત્રા નીકળી હતી. પલ્લીયાત્રાની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે પોણા આઠ વાગ્યા આસપાસ વરદાયિની માતાજીના મંદિરે પરત ફરી હતી.
રૂપાલ વરદાયિની માતા મંદિરે દર વર્ષે નવરાત્રિનાં નોમના દિવસે પલ્લી મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે પણ 30 સપ્ટેમ્બર એટલે કે નોમના દિવસે રાતે 12:00 વાગ્યે પલ્લી યાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. વરદાયિની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી હતી. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે પોણા આઠ વાગ્યા આસપાસ વરદાયિની માતાજીના મંદિરે પરત ફરી હતી.
રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે જે આજે પણ અકબંધ છે. પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું હતું. ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓ દ્વારા ડોલ ભરી ભરીને પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હોય તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે. રૂપાલની પલ્લી તમામ વર્ગના લોકો સાથે મળીને ઊજવે છે એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે.