રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી શકે નહીં. દેશની સુરક્ષા માટે સરકાર પાસે ભારતની મુલાકાતે આવનારની માહિતી હોવી જરૂરી છે. અમિત શાહે કહ્યું કે આનાથી દેશના વિકાસમાં મદદ મળશે અને વ્યવસાય માટે આવતા લોકો પર પણ દેખરેખ રાખી શકાશે અને દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓ પર નજીકથી નજર રાખવામાં પણ મદદ મળશે.
અગાઉ ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસના મનીષ તિવારીએ વિધેયકનો વિરોધ કર્યો અને કહ્યું કે તે બંધારણની વિરુદ્ધ છે. તેમણે વિધેયકને વધુ ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની માંગ કરી હતી. બાદમાં લોકસભાએ વિધેયક પસાર કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય ઇમિગ્રેશન કાયદાઓને આધુનિક બનાવવાનો છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, સ્થળાંતર કરનારાઓ સાથે સંબંધિત ભારતનો ટ્રેક રેકોર્ડ હજારો વર્ષોથી "નિષ્કલંક" રહ્યો છે, એટલે અલગ શરણાર્થી નીતિની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની નીતિ એવા દેશોને જોઈએ છે, જે ભૌગોલિક સીમાઓથી રચાય છે, જ્યારે ભારત એક ભૂ-સાંસ્કૃતિક દેશ છે અને આપણી સીમાઓ આપણી સંસ્કૃતિએ બનાવી છે. તેમણે કહ્યું કે ભારતનો શરણાર્થીઓ પ્રત્યેનો ઇતિહાસ છે. તેમણે કહ્યું કે તે ભારત છે જ્યાં વિશ્વની સૌથી મોટી સૂક્ષ્મ લઘુમતી ખૂબ જ આદર સાથે રહે છે. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પડોશી દેશોના 6 સતાવેલા સમુદાયોના નાગરિકોને નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) હેઠળ આશ્રય આપવામાં આવ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારતે માનવતા પ્રત્યેની પોતાની ફરજો હંમેશા અદા કરી છે અને આપણી ફરજ બજાવવા માટે કાયદાની જરૂરિયાત ક્યારેય અનુભવાતી નથી. તેમણે કહ્યું હતું કે, આપણી પરંપરા અને સંસ્કૃતિએ આપણને 'વસુધૈવ કુટુંબકમ'નો મંત્ર શીખવ્યો છે અને આપણને તેનાં મૂલ્યો આપ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ડાયસ્પોરા છે જે 146 દેશોમાં ફેલાયેલો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સમુદાય સંપૂર્ણ વિશ્વની સંસ્કૃતિ, શિક્ષણ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં પ્રદાન કરવા ઇચ્છે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારતીય એનઆરઆઈની સંખ્યા આશરે 1 કરોડ 72 લાખ છે અને આ બિલ આ તમામ લોકોની સુગમ અવરજવર સુનિશ્ચિત કરવા અને તેમની ચિંતાઓનું સમાધાન કરવા માટે લાવવામાં આવ્યું છે.