જે લોકો માથા પર સંવિધાનનું પુસ્તક મૂકીને નાચે છે, તેઓ માઓવાદી-આતંકીઓની રક્ષામાં લાગેલા છેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDTV વર્લ્ડ સમિટમાં માઓવાદ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે નક્સલવાદને 'માઓવાદી આતંક' ગણાવીને કહ્યું હતું કે, કોંગ્રેસના શાસન દરમિયાન 'અર્બન નક્સલીઓ' દ્વારા મોટી સેન્સરશિપ ચલાવવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે એક સમયે દેશના લગભગ દરેક મોટા રાજ્યો નક્સલી હિંસા અને માઓવાદી આતંકનો સામનો કરી રહ્યા હતા અને તે રેડ કોરિડોરમાં સંવિધાનનું કોઈ નામ લેનારું ન હતું. તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું કે, "જે લોકો માથા પર સંવિધાનનું પુસ્તક મૂકીને નાચે છે, તેઓ આજે પણ આ માઓવાદી આતંકીઓની રક્ષામાં દિવસ-રાત લાગેલા છે."
PM મોદીએ તેમની સરકારના પ્રયાસોની વાત કરતા જણાવ્યું કે 2014 બાદ સરકારે ભટકેલા યુવાનોને મુખ્યધારામાં લાવવાના પ્રયાસો કર્યા છે, જેના પરિણામે માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 11 વર્ષ પહેલા દેશના 125થી વધુ જિલ્લાઓ માઓવાદી આતંકથી પ્રભાવિત હતા. આ સંખ્યા હવે ઘટીને માત્ર 11 જિલ્લાઓ સુધી જ સીમિત રહી ગઈ છે. આ 11 જિલ્લાઓમાં પણ હવે માત્ર ત્રણ જ જિલ્લાઓ એવા બચ્યા છે, જે સૌથી વધુ માઓવાદી આતંકના કબજામાં છે. પ્રધાનમંત્રીએ સરકારની નીતિઓની સફળતા દર્શાવી, જેણે દેશમાંથી માઓવાદી આતંકના વ્યાપને મોટા પાયે ઘટાડ્યો છે.