ભારતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમયઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ AI એક્શન સમિટ પછી, પીએમ મોદીએ 14મા ભારત-ફ્રાન્સ CEO ફોરમમાં હાજરી આપી. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આર્થિક સંબંધો અને દ્વિપક્ષીય સહયોગને વેગ આપવા માટે 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમમાં હાજરી આપી. આ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે ઉદ્યોગપતિઓ માટે ભારત આવવાનો આ યોગ્ય સમય છે, કારણ કે દેશ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનવાના લક્ષ્ય તરફ કામ કરી રહ્યો છે, તેમજ એક મજબૂત વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ અને નીતિ સાતત્ય પ્રદાન કરી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે આ બેઠક ભારત અને ફ્રાન્સના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓનું સંગમ છે. પીએમ મોદીએ કહ્યું, “હું જોઉં છું કે તમે બધા નવીનતા, સહયોગ અને એકીકરણના મંત્ર સાથે કામ કરી રહ્યા છો. તમે ફક્ત સંબંધો જ નહીં બનાવી રહ્યાં છો પણ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને પણ મજબૂત બનાવી રહ્યા છો. અગાઉ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “રાષ્ટ્રપતિ મેક્રોન સાથે આ સમિટમાં જોડાવાનો મને ખૂબ આનંદ છે. છેલ્લા બે વર્ષમાં આ અમારી છઠ્ઠી બેઠક છે. ગયા વર્ષે, રાષ્ટ્રપતિ મેક્રોન આપણા પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય મહેમાન હતાં. આજે સવારે અમે AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી, પીએમએ કહ્યું. આ સફળ શિખર સંમેલન માટે હું રાષ્ટ્રપતિ મેક્રોનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં AI,અવકાશ ટેકનોલોજી અને 'મેક ઈન ઇન્ડિયા' કાર્યક્રમમાં ભારતની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો. પીએમના જણાવ્યાં મુજબ, “અમે 2047 સુધીમાં 100 GW પરમાણુ ઉર્જાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ. આ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે આજે ભારત ઝડપથી વૈશ્વિક રોકાણ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. “તમે છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા પરિવર્તનશીલ ફેરફારોથી વાકેફ છો. અમે સ્થિર અને અનુમાનિત નીતિનું ઇકોસિસ્ટમ સ્થાપિત કર્યું છે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, જે સુધારા, કામગીરી અને પરિવર્તનના માર્ગ પર આગળ વધી રહ્યું છે.
વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે." “વૈશ્વિક પ્લેટફોર્મ પર અમારી માન્યતા એ છે કે આજે ભારત ઝડપથી એક પસંદગીનું વૈશ્વિક રોકાણ સ્થળ બની રહ્યું છે. સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "અમે સેમિકન્ડક્ટર અને ક્વોન્ટમ મિશન શરૂ કર્યા છે અને સંરક્ષણ ક્ષેત્રમાં 'મેક ઇન ઇન્ડિયા' અને 'મેક ફોર ધ વર્લ્ડ' ને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ."