IPL ને 6 મહિનાની લીગ બનાવવાની આ પૂર્વ ખેલાડીએ કરી માંગણી
- ઓક્શન બંધ કરીને આખુ વર્ષ ટ્રેડ વિન્ડો ખુલ્લી રાખવી જોઈએઃ ઉથ્થપા
- આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ છે અને વ્યાવસાયિક સ્તરે લઈ જવી જોઈએ
મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના 19મા સીઝન (IPL 2026) માટેનો મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. ગયા વર્ષનું મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલ્યું હતું, જ્યારે આ વખતે એક દિવસીય ઓક્શન રહેશે. પરંતુ પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ IPLમાં ઓક્શન સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરવાની માંગણી કરી છે. તેઓ માને છે કે IPL દુનિયાની સૌથી મોટી લીગ છે, હવે તેને વધુ વ્યાવસાયિક સ્તરે લઈ જવી જોઈએ.
રોબિન ઉથપ્પાએ પોતાના યૂટ્યુબ ચેનલ પર કહ્યું કે, “IPL હવે સ્ટાર્ટ-અપ સ્ટેજથી ખૂબ આગળ છે. તમે દુનિયાની સૌથી મોટી લીગ છો, હવે આને વધુ મેચ્યોર બનાવીને આગળ લઈ જવું જોઈએ. ઓક્શન બંધ કરો અને આખું વર્ષ ટ્રેડ વિન્ડો ખુલ્લી રાખો. ડ્રાફ્ટ બનાવો. જ્યારે હું IPL રમતો હતો ત્યારે પણ હું આ વાત કહતો હતો.” ઉથપ્પાએ જણાવ્યું કે IPLને માત્ર ટીવી એન્ટરટેઇનમેન્ટ ફોર્મેટ તરીકે જ ન જોવું જોઈએ. “ડ્રાફ્ટ પણ સરસ ટીવી કન્ટેન્ટ બની શકે છે. તમે ફેન્સ સાથે વધુ કનેક્ટ થઈ શકશો. IPL છ મહિનાની લીગ થવી જોઈએ. વચ્ચે તમે ઈન્ટરનેશનલ સીરિઝ મૂકશો તો પણ ચાલે. IPLને વધુ વિકસાવવું પડશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આઈપીએલ 2026ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, વિવિધ ટીમો પોતાની ટીમમાં નવા ખેલાડીઓને સામેલ કરી રહ્યાં છે.