ડોન-3 ફિલ્મમાં હવે રણવીર સિંહ સાથે કિયારા અડવાણીની જગ્યાએ આ અભિનેત્રી જોવા મળશે
ફરહાન અખ્તરની 'ડોન' ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ, 'ડોન 3' ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મ વિશે એક મોટી માહિતી બહાર આવી રહી છે. જે મુજબ, ફિલ્મના કલાકારોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે અને તેના સ્થાને એક નવી મુખ્ય અભિનેત્રીની ફિલ્મમાં એન્ટ્રી થઈ છે.
અહેવાલ મુજબ, શર્વરી વાઘે હવે 'ડોન 3'માં કિયારા અડવાણીની જગ્યા લીધી છે. જે રણવીર સિંહ સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ અનુસાર કિયારા અડવાણીને બદલે, શર્વરી વાઘ 'ડોન 3' ની નવી મહિલા મુખ્ય ભૂમિકામાં હશે. આ પહેલા 'ડોન 3'માં રણવીર સિંહ સાથે કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતી. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં કિયારા અડવાણીએ પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કિયારા ડોન 3 છોડી શકે છે. હવે, એક અહેવાલમાં જણાવાયું છે કે કિયારાની જગ્યાએ, નિર્માતાઓએ શર્વરી વાઘને મુખ્ય અભિનેત્રી તરીકે ફાઇનલ કરી છે.
'ડોન 3' એ ફરહાન અખ્તર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છે, જે તેમની 'ડોન' ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. આ પહેલા 'ડોન' અને 'ડોન 2' રિલીઝ થઈ ચૂકી છે. બંને ફિલ્મોમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે શાહરૂખ ખાનને બદલે રણવીર સિંહ 'ડોન 3'માં ડોનની ભૂમિકા ભજવશે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની મહિલા મુખ્ય ભૂમિકા વિશે કંઈ સ્પષ્ટ કર્યું નથી.