મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડુબકી
લખનૌઃ વસંતપંચમી પ્રસંગે પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજુ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. 13 અખાડાના સાધુ સંતો સહિત દુનિયાભરથી કરોડો શ્રધ્ધાળુઓ આજના અમૃત સ્નાનમાં આશ્થાની ડુબકી લગાવવા મહાકુંભમાં સામેલ થઇ રહ્યાં છે. પવિત્ર સ્નાનના માધયમથી આધ્યાત્મીક મુક્તિની તલાશમાં પહોચેલા શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું સાક્ષી બની રહેલ પ્રયાગરાજ નગરી ભક્તિ અને આસ્થામય બની છે. વહેલી સવારથી અખાડાઓનું અમૃત સ્નાન ચાલી રહ્યું છે. સૌ પ્રથમ પંચાયતી મહાનિર્વાણી અને શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના સાધુ સંત અને નાગા સન્યાસીઓના સરઘસે ત્રિવેણી સંગમ પર અમૃત સ્નાન કર્યું હતું. સ્વામી કૈલાશાનંદગીરીએ અમૃત સ્નાનના સરઘસનું નેતૃત્વ કર્યું હતું. શરીર પર ભભૂત લગાવીને નાગાઓ સહિતના સાધુઓને જોવા માટે લાખો શ્રધ્ધાળુઓ શિસ્ત બધ્ધ લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતાં.
ત્રીજા અમૃત સ્નાનને લઇને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા ક્ષેત્રમાં શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે વહીવટીતંત્રએ નવેસરથી યોજના લાગુ કરી છે. વસંતપંચમીના ત્રીજા અમૃત સ્નાન પર સુરક્ષા અને સુખસુવિધા સુનિશ્ચીત કરવા માટે અર્ધસૈનિક દળ સહિત 50 હજાર થી વધુ પોલીસ કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યાં છે. બંદોબસ્તની કડક વ્યવસ્થા માટે મહાકુંભ ક્ષેત્રને વીઆઇપી રહિત ક્ષેત્ર બનાવાયું છે. ભીડ વાળા ક્ષેત્રને નિશ્ચીત કરીને સુરક્ષાદળોની તૈનાતી કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રધ્ધાળુઓને આવવા અને પરત ફરવા માટે અલગ માર્ગ નિર્ધારીત કરવામાં આવ્યાં છે. જેથી તેઓ સરળતાથી સ્નાન કરી શકે. મેળા ક્ષેત્રમાં તમામ પ્રવેશ માર્ગો પર સિવિલ પોલીસની સાથે પેરા મિલેટરી ફોર્સ ના જવાનોને ગોઠવવામાં આવ્યાં છે. શ્રધ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચીત કરવા માટે દરેક માર્ગ પર બેરેક લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત લોકોની ભારે સંખ્યાને નિયંત્રીત કરવા માટે શહેરમાં 88 હોલ્ડીંગ એરિયા બનાવવામાં આવ્યાં છે. શ્રધ્ધાળુઓના માર્ગદર્શન માટે તમામ માર્ગો અને ઘાટો પર સાઇનેજ લગાવવામાં આવ્યાં છે. હેલીકોપ્ટર, ડ્રોન, સીસીટીવીના માધ્યમથી મેળા ક્ષેત્ર પર નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે સુરક્ષા વ્યવસ્થામાં કોઇ પણ પ્રકારની ભૂલ થવી જોઇએ નહી.