સુરતના આઠ ગણેશ પંડાલમાં રાત્રે તસ્કરો ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ ઉઠાવી ગયા, 2 પકડાયા
- સુરતના મહિધરપુરા વિસ્તારમાં મધરાત બાદ બન્યો બનાવ,
- ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ, બે આરોપી પકડાયા
- લોકોએ ખંડિત થયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરી
સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે તસ્કરોએ આઠ જેટલા ગણેશજીના પંડાલમાં ચાંદીની મૂર્તિઓ, દીવા અને રોકડ રકમની ચારી કરીને પલાયન થઈ જતા આ બનાવે ભાવિકોમાં રોષ ઊભો થયો છે. વહેલી સવારે આ ચોરીના બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના અધિકારીઓ કાફલા સાથે દોડી ગયા હતા. પોલીસે તપાસ કરતા તસ્કરો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. એક પંડાલમાં તસ્કરોએ ગણેશજીની એક મૂર્તિ ખંડિત કરતાં ભાવિકોએ ખંડિત મૂર્તિને દૂર કરી નવી મૂર્તિની સ્થાપના કરી હતી. દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના મહિધરપુરા વિસ્તારમાં મધરાતના 2 વાગ્યા બાદ તસ્કરોએ આઠ ગણેશ પંડાલમાં ચોરી કરીને પલાયન તઈ ગયા હતા. મહિધપુરાના દારુખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશપંડાલમાં ગતરાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થયા છે. ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના મહિધરપુર વિસ્તારના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ આઠ ગણેશ પંડાલમાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરો અલગ અલગ પંડાલમાંથી ચાંદીની મૂર્તિ, રોકડ રકમ અને પૂજા અર્ચના માટે રાખવામાં આવેલો સામાન ઉઠાવી ગયા છે. એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. પોલીસના ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓએ પણ ઘટનાસ્થળ પર પહોંચી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોય તેના આધારે ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરવાામાં આવ્યા છે. રાત્રિના 2 વાગ્યા બાદ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે. માત્ર 50 મીટર નજીક આવેલા ચાર ગલીના ચાર મંડપમાં ચોરીની ઘટના બની છે. એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે. ગણેશજીની ચાંદી અને પીતળની મૂર્તિની ચોરી થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણી નામના બે તસ્કરોની ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.