ગાંધીનગરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી 23 લાખના કોપરના વાયરો ચોર ઉઠાવી ગયા
- સરગાસણ રોડ પર નવી કન્સ્ટ્રકશન સાઈટ પર બન્યો ચોરીનો બનાવ,
- કન્સ્ટ્રકશન સાઈટના 14માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના વાયરો ચોરાયા,
- ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ગાંધીનગરઃ શહેરના સરગાસણ વિસ્તારમાં પામ રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ દિવાળીના તહેવારો દરમિયાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરો 14માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના મુખ્ય ઇલેક્ટ્રિક ડક્ટ રૂમમાં આવતા 6 સ્ક્વેર એમ.એમ.ના રૂપિયા 23 લાખ 73 હજારની કિંમતના કોપર વાયરો કાપીને ચોરી જતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગરમાં સરગાસણ પામ રોડ પર આવેલી દેવ ઓરમ ફ્લેટની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી 23.73 લાખ રૂપિયાના કોપર કેબલની ચોરી થઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન સાઇટ બંધ હતી ત્યારે અજાણ્યા ઇસમોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે દેવ હાઉસીંગ કોર્પોરેશનના ભાગીદાર નીલ મુકેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 17 ઓક્ટોબરના રોજ સાંજે લગભગ સાત વાગ્યાથી દિવાળીના તહેવારોને કારણે સાઇટનું કામ બંધ કરવામાં આવ્યું હતું. 26 ઓક્ટોબરના રોજ સવારથી ફરી કામ શરૂ થયું હતું .31 ઓક્ટોબરના રોજ સવારે અગિયાર વાગે નીલ પટેલ સાઇટ પર આવ્યા હતા. ત્યારે ઇલેક્ટ્રિશિયન રાજેશકુમાર ઠાકોરે તેમને કેબલ ચોરી અંગે જાણ કરી હતી. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બ્લોક-એ ના ચૌદમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના મુખ્ય ઇલેક્ટ્રિક ડક્ટ રૂમમાં આવતા 6 સ્ક્વેર એમ.એમ. કોપર વાયર ચોરાઈ ગયા છે. આથી વધુ તપાસ કરતા ચોરોએ ફ્લેટોના બહારના પેસેજમાંથી પી.વી.સી. પાઇપ કાપીને અંદરથી કુલ 40,000 મીટર લાંબા કોપર વાયર કિંમત રૂ.23.73 લાખના ચોરી લીધા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.