વડોદરામાં રાત્રે ચોરએ દુકાનમાં ઘૂંસીને ચોરી કર્યા બાદ આગ ચાંપી, આખરે પકડાયો
- દુકાનમાં આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને ચોર પકડાયો
- ચોરને દુકાનમાંથી માત્ર રૂપિયા 2600 હાથ લાગતા ઉશ્કેરાઈને આગ ચાંપી
- દુકાનમાં બધો માલ-સામાન બળીને ખાક
વડોદરાઃ શહેરમાં રાતના સમયે એક તસ્કર ચોરી કરવા માટે એક દુકાનમાં છત ઉપરથી ઘૂસ્યો હતો, અને દુકાનમાં ફાંફાફોળા કરીને રૂપિયા 2600 હાથ લાગતા તેની ચોરી કરી હતી. ચોરને દુકાનમાંથી મોટો દલ્લો હાથમાં આવશે. એવું માનતા હતો. પણ માત્ર 2600ની રકમ મળતા તે ગુસ્સે ભરાયો હતો. અને દુકાનમાં આગ ચાંપી હતી. એટલે આગના ધૂમાડા જોતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તે દરમિયાન ચોર ભાગવા લાગતા લોકોએ તેનો પીછો કરીને પકડી પાડ્યો હતો. અને પોલીસને હવાલે કર્યો હતો.
વડોદરા શહેરના વાઘોડિયામાં આવેલા જનરલ સ્ટોરમાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ચોરે દુકાનમાંથી રોકડ રૂપિયા 2600ની ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાવી દીધી હતી. દુકાનમાં આગ લગાવ્યા બાદ ભાગવા જતાં સ્થાનિકોએ તેણે ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. વાઘોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયામાં મોડી રાત્રે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વાઘોડિયામાં મોટા પાઠક ફળિયામાં રાજેશભાઇ ગોવિંદભાઈ શાહ પરિવાર સાથે રહે છે. તેઓની વાઘોડિયા બજારમાં સાંઈ જનરલ સ્ટોર્સ નામની દુકાન આવેલી છે. તેમની દુકાનમાં મોડી રાત્રે એક ચોર છત ઉપરથી દુકાનમાં ઘૂસ્યો હતો. અને દુકાનમાંથી રોકડ રૂપિયા 2600ની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ ચોરે દુકાનમાં આગ લગાવી દીધી હતી. આગ વધુ પ્રસરે તે પહેલાં તે જે રસ્તેથી દુકાનમાં ઘૂસ્યો હતો તે રસ્તાએથી ભાગવા જતાં સ્થાનિકો તેને જોઇ ગયા અને તેને દબોચી લીધો હતો. બીજી બાજુ દુકાનમાંથી આગની જ્વાળાઓ નિકળતા જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પાણી મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આગના બનાવની જાણ દુકાન માલિક રાજેશભાઇ શાહને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ એપોલો ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદ લઇ બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. જોકે આગ કાબુમાં આવે તે પહેલાં દુકાનની અંદરનો તમામ સામાન બળીને ખાક થઇ ગયો. આગના બનાવને પગલે વાઘોડિયા પોલીસ પણ આવી પહોંચી હતી. સ્થાનિક લોકોએ આગ લગાડનાર ચોરને પોલીસ હવાલે કરી દીધો હતો. પોલીસ તપાસમાં આગ લગાડનાર ચોર વાઘોડિયા એસ.ટી. ડેપો પાસે રહેતો અને છૂટક મજૂરી કામ કરતો ભરત શંકરભાઇ રાઠોડીયા ( ઉ.વ. 20 )હોવાનું બહાર આવ્યું હતું.