ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ બે ભારતીય ખેલાડીઓએ મારી છે સૌથી વધારે સદી
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાન જવાની નથી. જેથી ભારતની તમામ મેચો પાકિસ્તાનની બહાર રમાશે. ત્યારે અત્યારથી જ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, ચેમ્પિયન ટ્રોફીમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને શિખર ધવને સૌથી વધારે 3-3 સદી ફટકારી છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના પણ બે પ્લેયરોએ 3-3 સિક્સર ફટકારી છે. જો કે, કિંગ કોહલીએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ સદી ફટકારી નહીં હોવાનું જાણવા મલે છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થવાની છે. દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતના શિખર ધવન અને સૌરવ ગાંગુલી, દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે સૌથી વધુ 3-3 સદી ફટકારી છે. આ યાદીમાં પાકિસ્તાનના સઈદ અનવર, શ્રીલંકાના ઉપુલ થરંગા, ઈંગ્લેન્ડના માર્કસ ટ્રેસ્કોથિક અને ઓસ્ટ્રેલિયાના શેન વોટસન બે-બે સદી સાથે સામેલ છે. રોહિત શર્માએ માત્ર એક જ સદી ફટકારી છે. આ યાદીમાં તે 26મા સ્થાને છે. વિરાટ કોહલી હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 5 અડધી સદી ફટકારી છે.