દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાં આ ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશ
ફોર્બ્સે વર્ષ 2024 માટે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્યોગ, મનોરંજન, રાજકીય, સામાજિક સેવા અને નીતિ નિર્માતાઓના નામ સામેલ છે. ફોર્બ્સની આ 21મી યાદીમાં ત્રણ ભારતીય મહિલાઓના નામ પણ સામેલ છે, જેમણે પોતપોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે.
નિર્મલા સીતારમણઃ ફોર્બ્સની સૌથી શક્તિશાળી યાદીમાં ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 28મા ક્રમે છે. નિર્મલા સીતારમણે મે 2019માં કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારથી તેઓ આ મહત્વપૂર્ણ પદ સંભાળી રહ્યાં છે. નિર્મલા સીતારમણ પાસે ભારતના ઝડપી આર્થિક વિકાસને જાળવી રાખવાની જવાબદારી છે અને તેમના નેતૃત્વમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. નિર્મલા સીતારમણે મહિલા સશક્તિકરણ અંગે અવાજ ઉઠાવ્યો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, સીતારમણ બ્રિટનના એગ્રીકલ્ચર એન્જિનિયર્સ એસોસિએશન અને બીબીસી વર્લ્ડ સાથે સંકળાયેલા હતા.
રોશની નાદર મલ્હોત્રાઃ અગ્રણી આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજીસના ચેરપર્સન અને એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નાદર મલ્હોત્રાને ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 81મું સ્થાન મળ્યું છે. રોશની નાદર 12 બિલિયન ડોલરની કંપનીના વ્યૂહાત્મક નિર્ણયો લે છે. રોશની નાદર મલ્હોત્રા શિવ નાદર ફાઉન્ડેશનની ટ્રસ્ટી પણ છે અને તેના દ્વારા શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છે. રોશની નાદરે ધ હેબિટેટસ ટ્રસ્ટની સ્થાપના કરી, જે પ્રકૃતિ સંરક્ષણ માટે કામ કરે છે.
કિરણ મઝુમદાર શોઃ ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કિરણ મઝુમદાર શોને 82મું સ્થાન મળ્યું છે. કિરણ મઝુમદાર બાયોટેક કંપની બાયોકોનના સ્થાપક અને ચેરપર્સન છે. બાયોકોન આજે યુએસ અને એશિયાના વિવિધ બજારો સહિત વિશ્વવ્યાપી પહોંચ ધરાવે છે. કિરણ મઝુમદાર શૉ ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાંના એક છે. 2019 માં, કિરણ મઝુમદાર અને તેમના પતિ જોન શૉએ ગ્લાસગો યુનિવર્સિટીમાં કેન્સર સંશોધન માટે 7.5 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. શૉની કંપની કોરોના વાયરસની એન્ટિબોડી થેરાપી પર પણ કામ કરી રહી છે.