આ 5 ભારતીય ખેલાડીઓ એશિયા કપમાં પહેલીવાર પાકિસ્તાન સામે રમશે!
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમમાં પાંચ ખેલાડીઓ એવા છે જેમણે આજ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ રમી નથી. આ ખેલાડીઓને 14 સપ્ટેમ્બરે યોજાનારી મેચમાં પાકિસ્તાન સામે રમવાની તક મળી શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012-13 પછી કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. આ બંને ટીમો વચ્ચે ક્રિકેટ મેચ ફક્ત આંતરરાષ્ટ્રીય (ICC) અને એશિયન (ACC) ઇવેન્ટ્સમાં જ યોજાય છે. આ કારણે, ભારતીય ટીમમાં જોડાયેલા યુવા ખેલાડીઓએ અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ રમી નથી. આ ખેલાડીઓમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન અને જીતેશ શર્માનો સમાવેશ થાય છે. તેમની સાથે તિલક વર્મા અને રિંકુ સિંહે આજ સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ રમી નથી.
ભારતના આ પાંચ ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓને એશિયા કપના પહેલા મેચમાં તક મળી હતી. યુએઈ સામેની પ્લેઇંગ ઇલેવનમાં અભિષેક શર્મા, તિલક વર્મા અને સંજુ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે, તો આ ખેલાડીઓ પાકિસ્તાન સામે તેમના કરિયરનો પહેલો મેચ રમશે. જ્યારે રિંકુ સિંહ અને જીતેશ શર્માએ રાહ જોવી પડશે. પાકિસ્તાન સામેની મેચ માટે ભારતની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત 14 સપ્ટેમ્બરના રોજ મેચ પહેલા થઈ શકે છે.
એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે. બીજી તરફ, શુભમન ગિલ અને કુલદીપ યાદવ ભારતીય ટીમના બે એવા ખેલાડીઓ છે જેમણે પાકિસ્તાન સામે ODI મેચ રમી છે, પરંતુ અત્યાર સુધી ક્યારેય T20 માં પાકિસ્તાનનો સામનો કર્યો નથી. ગિલ અને કુલદીપ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની પહેલી T20 મેચ રમી શકે છે.