ગુજરાતમાં ઉનાળામાં ગામડાંઓ કે શહેરોમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય
- ડેમોમાં સરેરાશ 50થી 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે
- નર્મદા કેનાલોના રિપેર માટે સિંચાઈ માટે પાણી બંધ થશે પણ પીવાનું પાણી મળી રહેશે
- પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાશે
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નર્મદા યાજનાને લીધે મહદઅંશે હલ થઈ ગઈ છે. જેમાં સૌની યોજનાને લીધે રાજકોટ સહિતના ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવાતા હલે ચોમાસા સુધી પીવાનું પાણી લોકોને મળી રહેશે. ત્યારે રાજકોટની મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ એવી હૈયાધારણ આપી હતી કે, માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ગુજરાતભરમાં પીવાના પાણી માટે રાજ્ય સરકારે વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યના ડેમોમાં હાલ 50થી 55 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટના બંને ડેમો 90થી 95 ટકા પાણીથી ભરેલા છે. રાજકોટના આજી-1 અને ન્યારી ડેમમાં 95% પાણી ભરાયેલા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગાંમડાઓ કે શહેરોમાં ઉનાળામાં પાણીની સમસ્યા નહીં રહે. રાજ્યમાં મોટાભાગના ડેમોમાં 50% જેટલું પાણી એવરેજ છે. પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. જે ડેમો ખાલી છે, તેમાંથી કાપ કાઢવાની સૂચના બે દિવસમાં અપાશે. જે ખેડૂતોને કાપ લઈ જવા માંગતા હોય તે સ્વખર્ચે લઈ જઈ શકશે. સુજલામ સુફલામ જલ અભિયાન, કેચ ધ રેનની વ્યવસ્થા કરાશે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટની આજુબાજુ ડેમ બનાવી શકાય તેટલી મોટી જગ્યા સરકારી ખરાબાની નથી. રાજકોટની આજુબાજુ કોઈ મોટો ડેમ બનાવી શકાય એવી જગ્યા નથી. જ્યાં જગ્યા મળશે ત્યાં નાનો ડેમ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ખેતરનું પાણી ખેતરમાં જ રહે તે માટેની યોજનામાં ખાસ ધ્યાન અપાશે. જે કેનાલો ડેમેજ છે તે નર્મદાની કેનાલો બંધ રહેશે, જેની વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. પીવાના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા થશે. સૌરાષ્ટ્રવાસીઓને પીવાના પાણીની ચિંતા કરવાની નથી. રાજકોટને 1 એપ્રિલથી સૌની યોજના મારફત મળતું નર્મદાનું પાણી બંધ કરીને કેનાલ રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. રાજકોટને પાણીમાં કોઇ ખોટ નહીં પડે અને કોઇ અવરોધ પણ નહીં આવે એવું સરકારે જાહેર કર્યુ છે.