સંસદમાં હંગામા ઉપર લાગશે બ્રેક, સર્વપક્ષીય બેઠકમાં સહમતિ
નવી દિલ્હીઃ મણિપુર હિંસા તથા સંભાલ હિંસા સહિતના મુદ્દા ઉપર ચર્ચાની માંગણી સાથે પાંચેક દિવસથી સંસદમાં વિપક્ષના નેતાઓ હંગામો મચાવી રહ્યાં છે જેના કારણે સંસદની કાર્યવાહી આગળ વધી શકી નથી. આજે પણ વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં પોતાની માંગણીને લઈને વિરોધ કર્યો હતો. સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વપક્ષીય બેઠકના નેતાઓને અપીલ કરી હતી. જેમાં તમામ પાર્ટીઓએ સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે તૈયારી દર્શાવી હતી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે અનેક રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા હતા. આ સર્વપક્ષીય બેઠકમાં સંસદમાં ચાલી રહેલી મડાગાંઠને ખતમ કરવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે તમામ સભ્યોને ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચાલવા દેવા અપીલ કરી હતી. બેઠકમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ 3 ડિસેમ્બરથી લોકસભાની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા માટે સંમતિ દર્શાવી છે. તેમજ 13 અને 14 ડિસેમ્બરે બંધારણ પર વિશેષ ચર્ચાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન બંધારણના મહત્વ અને તેના અનેક પાસાઓ પર ગૃહમાં ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. જ્યારે, 16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં આ જ મુદ્દા પર ચર્ચા થશે.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, અર્જુન રામ મેઘવાલ, કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ, કોંગ્રેસ નેતા સુપ્રિયા સુલે, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી સહિત ઘણા અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ પણ હાજર હતા.