મેરઠમાં શિવ મહાપુરાણની કથા દરમિયાન નાસભાગ મચી
લખનૌઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં કથાકાર પ્રદીપ મિશ્રા દ્વારા શિવ મહાપુરાણની કથા દરમિયાન નાસભાગ મચી હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. મેરઠના પરતાપુરના શતાબ્દી નગર સેક્ટર-4માં પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણ કથાનો છઠ્ઠો દિવસ હતો. ભક્તોની સંખ્યા દોઢ લાખથી વધુ હતી. પંડાલ સંપૂર્ણ ભરાઈ ગયો હતો, જ્યારે બહાર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જ્યારે સિક્યોરિટી બાઉન્સર્સે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે મારામારી શરૂ થઈ ગઈ. આ દરમિયાન કેટલાક લોકો નીચે પડતાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આયોજકોનું કહેવું છે કે,’ આજે કથાનો છેલ્લો દિવસ હોવાથી ઘણી જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. સુરક્ષાની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા, તેથી પંડાલની બહાર એકઠા થયેલા ભક્તો માટે વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી. આ દરમિયાન કેટલીક મહિલાઓ પડી ગઈ હતી.”
સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત થઈ ગઈ હતી. ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે આ ઈવેન્ટ માટે પરવાનગી લીધી હતી.” દરમિયાન, મેરઠના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિપિન તાડાએ કહ્યું કે,” નાસભાગ જેવી સ્થિતિ નથી. કેટલીક મહિલાઓને નાની મોટી ઈજાઓ થઈ છે અને તેમને સારવાર આપવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.”