ગુજરાતમાં આગામી સપ્તાહમાં કડકડતી ઠંડીની શક્યતા નહીવત
- 7મી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા,
- અંબાલાલ પટેલ કહે છે, 4થી 8 મી ડિસેમ્બર દરમિયાન માવઠું પડશે,
- ફેંગલ વાવાઝોડાને લીધે વાતાવરણ પલટાશે
અમદાવાદઃ શિયાળાનો એક મહિનો પૂર્ણ થયો એટલે કે કારતક મહિનો પૂર્ણ થયો અને માગશરનો પ્રારંભ થયો છતાંયે હજુ જોઈએ ઠંડી પડતી નથી. રાત અને દિવસના તાપમાનમાં વધુ તફાવત અનુભવાઈ રહ્યો છે. રાત્રે ગુલાબી ઠંડી અભવાય રહી છે. જ્યારે બપોરના ટાણે પંખા શરૂ કરવાની ફરજ પડી રહી છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સપ્તાહમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા નહીવત છે. જ્યારે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી તા.4થી ડિસેમ્બરથી 8મી ડિસેમ્બર દરમિયાન માવઠું પડવાની શક્યતા છે.
ગુજરાતમાં નવેમ્બર મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ ખૂબ જ સામાન્ય રહ્યું હતું. નવેમ્બરમાં લધુતમ તાપમાનનો પારો એકપણ વાર 15 ડિગ્રીથી નીચે ગયો ન હોય તેવું પાંચ વર્ષમાં પ્રથમવાર બન્યું હતું. પાંચ વર્ષ બાદ પહેલી ઘટના કે નવેમ્બરમાં અમદાવાદમાં પારો 15 ડિગ્રીથી નીચે ગયો નહીં. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્ છે. આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ ભરશિયાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું પડશે. બીજી બાજુ ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે. તેની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં આંશિક પલટો આવી શકે છે.