પેટ્રોલ,ડિઝલ, CNG તથા PNGના વેરામાં 4 વર્ષથી કોઈ વધારો કરાયો નથીઃ નાણા મંત્રી
- સરકારે વર્ષ 2021માં પેટ્રોલ, ડિઝલ, CNG, PNGના વેરાના દરમાં તોતિંગ ઘટાડો કર્યો હતો,
- CNG તથા PNG પર વેરાનો દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે,
- ડિઝલ ઉપરના વેરાનો દર પણ 20.20 ટકાથી ઘટાડીને 14.9 ટકા કર્યો
ગાંધીનગરઃ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2021માં પેટ્રોલ,ડિઝલ, સીએનજી તથા પીએનજીના વેરાના દરમાં તોતિંગ ઘટાડો કર્યો છે. જે દરને આજે ચાર વર્ષથી વધુ સમય થયો હોવા છતાં તેમાં કોઈ જ પ્રકારનો વધારો કરાયો નથી. રાજ્ય સરકારે તા.04 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ પરના વેરાનો દર 20.10 ટકાથી ઘટાડીને 13.7 ટકા કર્યો છે. જયારે ડિઝલ ઉપરના વેરાનો દર પણ 20.20 ટકાથી ઘટાડીને 14.9 ટકા કર્યો છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, પેટ્રોલ પર વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં રૂ.3,194 કરોડનો લાભ થયો છે. જેમાં નાણાકીય વર્ષ 2023-24માં રૂ.1,568 કરોડ અને વર્ષ 2024-25માં રૂ. 1,626 કરોડનો લાભ થયો છે. પેટ્રોલ ઉપરાંત ડીઝલ પર વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં રૂ. 5,367 કરોડનો લાભ થયો છે. નાગરિકોને નાણાકીય વર્ષ 2023-24માં આશરે રૂ. 2,919 કરોડ જ્યારે, નાણાકીય વર્ષ 2024-25માં આશરે રૂ. 2,448 કરોડનો લાભ થયો છે.
આ ઉપરાંત પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સીએનજી તથા પીએનજી પર વેરાનો દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. સી એન જી પર વેરાનો દર ઘટાડવાથી છેલ્લાં બે વર્ષમાં નાગરીકોને રૂ. 599 કરોડનો નફો થયો છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 298 કરોડનો તથા ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 301 કરોડનો લાભ થયો છે.
આ ઉપરાંત પી એન જી પર વેરાનો દર ઘટાડવાથી છેલ્લાં બે વર્ષમાં નાગરીકોને રૂ. 345 કરોડનો નફો થયો છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 177 કરોડનો તથા ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રૂ.168 કરોડનો લાભ થયો છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.