સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબ, ગલગોટા સહિત ફુલોના વાવેતરમાં થયો વધારો
- ફુલોની ખેતીમાં ધ્રાંગધ્રા તાલુકા મોખરે,
- ખેડૂતો ડ્રેગનફ્રુટ, કેસર કેરી,અંજીર અને કાજુનું પણ વાવેતર કરવા લાગ્યા,
- ફુલોની ખેતીથી ખેડૂતોને વધુ ફાયદો થયો
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણાબધા જિલ્લાઓમાં હવે ફુલોની ખેતી થવા લાગી છે. એક સમયે ઉજ્જડ ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના નીરથી નંદનવન બની ગયો છે. હવે તો જિલ્લાના ખેડુતો ગુલાબ અને ગલગોટાની ખેતી કરવા લાગ્યા છે. ફુલોની ખેતીમાં સરકારની સહાય પણ મળતી હોવાથી ખેડુતો ફુલોની ખેતી કરવા લાગ્યા છે. અને સારૂ ઉત્પાદન કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં ફુલોની ખેતી થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ઉત્તમ કપાસના ઉત્પાદનની સાથે કૃષિ ક્ષેત્રમાં નીત નવા પ્રયોગ કરવા માટે જાણીતા છે. ખેડૂતોએ ડ્રેગનફ્રુટ, કેસર કેરી,અંજીર અને કાજુ જેવી ખેતી કરીને સારૂ ઉત્પાદન મેળવીને ડંકો વગાડયો છે. ત્યારે હવે જિલ્લાના ખેડૂતો ફુલોની ખેતી કરીને સારૂ ઉત્પાદન મેળવતા થયા છે. જિલ્લામાં 121 હેકટરમાં ફુલની ખેતી કરીને ખેડૂતોએ 959 મેટ્રીક ટન ફુલનું ઉત્પાદન મેળવીને ખેતીને નવી દિશા આપી છે.
જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુલાબ અને ગલગોટા આ બંને ફૂલો બારેમાસ ઊગે છે. જિલ્લાની જમીન આ બંને ફુલો વાવેતર માટે અનુકૂળ છે. સારા વાવેતર માટે નિયમિત ખાતર પાણી આપતા રહેવું જોઈએ જેથી ફૂલના છોડ આસપાસ નિંદામણ દૂર કરતા રહેવું જોઈએ જેથી ઉત્પાદન સારું થાય. હાલ ફૂલોની ધાર્મિક, સામાજિક કાર્યક્રમો મંદિરોમાં સારી એવી માંગ રહે છે. આ ફૂલોને સુરેન્દ્રનગર ઉપરાંત મોરબી રાજકોટ અમદાવાદ ફૂલ બજાર સહીત વેચાણ થતું હોય છે.