અમદાવાદના બોપલમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 7 રાજસ્થાની ઘરઘાટીઓની ધરપકડ
- ઘરઘાટી મહિલાએ પતિ અને અન્ય ઘરઘાટીઓ સાથે મળીને 17 લાખની ચોરી કરી હતી,
- પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી,
- તસ્કરો પકડાયા બાદ 40 લાખની ચોરી થયાની વિગતો બહાર આવી
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં ચિદાનંદ બંગલોઝમાં ગઈ તા. 17મી ઓગસ્ટના રોજ રાતના સમયે સોના-ચાંદીના દાગીના સહિત 17 લાખની મત્તાની ચોરીનો બનાવ બન્યો હતો. ચિદાનંદ બંગલોઝમાં રહેતો પરિવાર મુંબઈ ખાતે ગયો હતો. ત્યારે વહેલી સવારે ત્રણ વાગ્યે ચોરોની ટોળકીએ એક બંગલામાં પ્રવેશી પહેલા માળે બેડરૂમમાં તિજોરી અને કબાટમાંથી 370 ગ્રામ સોનાં, મોતીનો સેટ, 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 5 લાખથી વધુ રોકડની ચોરી કરી હતી. આ અંગે બોપલ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે જાહેર રસ્તાઓ પરના સીસીટીવીના કૂટેજ, ટેકનીકલ સર્વેલન્સના આધારે ગુનોનો ભેદ ઉકેલીને ઘરઘાટી મહિલા સહિત 7 ઘરઘાટીની ધરપકડ કરીને ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. ઘરફોડ ચોરીના આ બનાવમાં 17 લાખની જગ્યાએ 40 લાખની ચોરી થઈ હોવાનું બહાર આવતા તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ બનાવની વિગતો એવી હતી કે, શહેરના બોપલ વિસ્તારમાં ચિદાનંદ બંગલોઝમાં રહેતો પરિવાર મુંબઈ ખાતે ગયો હતો. ત્યારે ગઈ તા. 17મી ઓગસ્ટની વહેલી સવારે ત્રણ વાગ્યે ચોરોની ટોળકીએ એક બંગલામાં પ્રવેશી પહેલા માળે બેડરૂમમાં તિજોરી અને કબાટમાંથી 370 ગ્રામ સોનાં, મોતીનો સેટ, 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 5 લાખથી વધુ રોકડની ચોરી કરી હતી. આ અંગે બોપલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોને જાણ થતા તેઓ પણ તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા હતા. કુલ 17 લાખ રૂપિયાની ચોરી અંગેની બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા ડો. ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે બોપલ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલિજનસના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે ચોરીમાં સ્કૂટર અને CNG રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. તેમાં સાત લોકોએ મળી આ ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓ એસજી હાઇવે ઉપર વાયએમસી કલબ પાસે આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા હોવાની અને મૂળ રાજસ્થાનના ડુંગરપુરની આસપાસમાં આવેલા ગામડાઓમાં રહેતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને રાજસ્થાનના ડુંગરપુર આસપાસના ગામોમાંથી સાત આરોપીઓની ધરપકડ કરી હતી.
બોપલ પોલીસે આરોપી ધનપાલ કાંતિલાલ મીણા, હરીશ મનોજ નનોમા, ઉમેશ નાગજી પરમાર, ભાગુ ભારત મીણા, હરીશ જગદીશ કલસુવા, ધનરાજ કેશુ કલસુવા અને કૃષ્ણા ધનપાલ રોતની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. આરોપી કૃષ્ણા નામની મહિલા બંગલામાં ઘરઘાટી તરીકે કામ કરતી હતી. જેને પરિવાર બહારગામ ગયાનું જાણી તેના સાથીઓને માહિતી આપી હતી. આરોપી અગાઉ એક દિવસ રેકી પણ કરીને ગયા હતા. પરિવાર ગયો ત્યારે ઘરઘાટી મહિલા પણ રાજસ્થાનના ડુંગરપુર ખાતે જતી રહી હતી. પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે ચોરીની ફરિયાદમાં 17 લાખનો મુદ્દામાલ હતો પરંતુ ખરેખર ₹ 40 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી ધનપાલ અગાઉ ચોરીના ગુનામાં રાજસ્થાનના ડુંગરપુર ખાતે ઝડપાઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જે પણ નાગરિકોના ઘરમાં ઘરઘાટી નોકરી કરતા હોય તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં કે સિટિઝન પોર્ટલ મારફતે ઓનલાઇન નોંધણી કરાવી લેવી જોઈએ. “આવી નોંધણી સુરક્ષા માટે અત્યંત જરૂરી છે જેથી આવી ચોરી અટકાવી શકાય છે.