For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નડિયાદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

01:35 PM Oct 04, 2025 IST | revoi editor
નડિયાદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો  બે આરોપી ઝડપાયા
Advertisement

અમદાવાદઃ ખેડા જિલ્લાના નડિયાદ નજીક પીપલગ વિસ્તારમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી ચોરીની મોટી ઘટના સામે આવી હતી. અજાણ્યા શખ્સોએ સાઇટ પરથી કિંમતી સાધનસામગ્રી અને ભંગારની ચોરી કરી હતી, જેની કુલ કિંમત રૂ. 7.39 લાખ જેટલી આંકવામાં આવી હતી. આ હાઇ-પ્રોફાઇલ રાષ્ટ્રીય પ્રોજેક્ટમાં ચોરી થતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા હતા. ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈને નડિયાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ગણતરીના દિવસોમાં જ પોલીસે સઘન તપાસ અને બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ઝડપાયેલા આરોપીઓની ઓળખ ધર્મેન્દ્ર યાદવ અને જગદીશસિંહ તરીકે થઈ છે.

Advertisement

પોલીસ તપાસમાં ખુલ્યું કે આ બંને આરોપીઓએ મળીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી કિંમતી સામગ્રીની ચોરી કરી હતી અને ચોરાયેલો માલ ભંગાર તરીકે વેચવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ ઝડપથી નફો કમાવવાના ઈરાદે ચોરી કરેલી સામગ્રીને ઓછી કિંમતે વેચવા માગતા હતા. પોલીસે બંનેના ઠેકાણાઓ પરથી ચોરી કરાયેલ સામગ્રીનો કેટલોક હિસ્સો કબજે કર્યો છે. આ સાથે જ રૂ. 7.39 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને જેલહવાલે કરવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન જેવા રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટમાં થયેલી આ ચોરીનો ભેદ ઉકેલીને નડિયાદ પોલીસે ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને કોઈ પણ રીતે છોડવામાં આવશે નહીં.

Advertisement
Advertisement
Tags :
Advertisement