રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કનું લોકર ખૂલ્લુ રહી જતા થયેલી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો
- બેન્કના કર્મચારીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
- આરોપીએ દેવું થઈ જતા ચોરી કર્યાની કબુલાત કરી
- પોલીસે સોનું- ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટઃ શહેરની રાજકોટ ડિસ્ટ્રીક બેન્કમાં એક ગ્રાહકનું લોકર છે. ગ્રાહક લોકરમાં સોના-ચાંદીના ધરેણા મુકવા આવ્યા હતા. લોકરમાં દાગીના મુકીને લોકરનો દરવાજો ખાલી બંધ કર્યો હતો પણ તેને લોક મારવાનું ગ્રાહક ભૂલી ગયો હતો. ત્યારે ફરીવાર કોઈ લગ્નપ્રસંગમાં જવાનું હોવાથી ગ્રાહક સોનાના ઘરેણાં લેવા માટે આવતા લોકરમાંથી ઘરેણાં ગાયબ હતા. આથી ઘરેણાની ચોરીની ફરિયાદ કરતા શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાધ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા બેંકના કર્મચારી અશોક કોટક દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સોનુ-ચાંદી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
શહેરનાં આરડીસી બેન્કના લોકરમાંથી સોનું ગાયબ થવાનો ભેદ ઉકેલાયો છે. જેમાં બેંક કર્મચારી જ ચોર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા બેંકના કર્મચારી અશોક કોટક દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સોનુ-ચાંદી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક કોટક માથે મોટું દેવું થઈ ગયું હતું. દરમિયાન લોકર ખુલ્લું રહી ગયાનું ધ્યાનમાં આવતા તેણે દેવું ચૂકવવા માટે આ પગલું ભર્યું હોવાની કબૂલાત કરી હતી.
આ બનાવની વિગતો એવી હતી કે, શહેરના ઓસ્કાર બિલ્ડરનાં નામે જાણીતા 30 વર્ષીય જયભાઈ ભરતભાઈ તળાવીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસે આવેલી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકમા આશરે 5 વર્ષથી બેંક લોકર ધરાવે છે, આ લોકર તેમના તેમજ માતા ગીતાબેન તળાવીયાના સંયુક્ત નામે છે. તે લોકરને ઓપરેટ પોતે કરે છે. બેંકના નિયમ મુજબ બેકમાં કોઇપણ વ્યકિત લોકર માટે ખાતુ ખોલાવે ત્યારે લોકરની એક ચાવી લોકરધારકને અપાય છે અને બીજી એક ચાવી બેંકના જવાબદાર કર્મચારી પાસે હોય અને બંનેની ચાવીથી જ લોકર ખુલે છે તેમજ જયારે લોકર બંધ કરવાનું હોય છે ત્યારે ફકત લોકરધારક પાસે રહેલી ચાવીથી લોકર બંધ (લોક) કરી શકાય છે. તેમા બેંક કર્મચારી પાસે રહેલી ચાવીની જરૂરિયાત રહેતી નથી. દરમિયાન ગત તા. 24/04/2025ની સાંજે સવા સાતેક વાગ્યાની આસપાસ તે સોનાના દાગીના મુકવા માટે બેંક ખાતે લોકર ઓપરેટીંગ કરવા માટે ગયા હતા. તે વખતે બેંકના જવાબદાર કર્મચારી દ્વારા લોકર ઓપરેટીંગ રજીસ્ટરમાં પ્રથમ લોકર નંબર તેમજ સહી લઈ બેંકના જવાબદાર કર્મચારી સાથે લોકર રૂમમાં લોકર ઓપરેટ કરવા માટે ગયા હતા. બેંક મારફતે લોકર ઓપરેટ કરવા માટે જે ચાવી આપવામા આવી હતી, તે ચાવી તેમજ બેંકના જવાબદાર કર્મચારી પાસે રહેલ અન્ય ચાવીથી લોકર ખોલ્યા બાદ બેકનો કર્મચારી લોકર રૂમમાથી જતો રહ્યો હતો અને પોતે સોનાના દાગીના અંદર મુક્યા હતા.લોકરમાં સોનાના 1287 ગ્રામ રૂ.51.47 લાખ તેમજ ચાંદીના 3 કિલો દાગીના અને વાસણો રૂ.2.70 લાખ મળી કુલ રૂ.54.17 લાખના દાગીના હતાં. જે બાદ તેમની પાસે રહેલ ચાવીથી ઉપરોકત લોકર બંધ કરીને તેઓ નીકળી ગયા હતા. બાદમાં તેઓને પ્રસંગમા જવાનુ હોવાથી સોનાના દાગીનાની જરૂર પડતા ગઈ તા. 6ના બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ સોનાના દાગીના લોકરમાં લેવા માટે ગયા હતા. તે વખતે બેંકનું લોકર ખોલી અને જોયુ તો લોકરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીના વાસણો જોવા મળ્યા હતા. જેથી, તુરંત જ ત્યા હાજર કર્મચારીને જાણ કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.