કડીના ખેરપુર ગામે લોક ડાયરામાં યુવાને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
- ફાયરિંગ કરતો ઘટનાનો વિડિયો સાશ્યલ મીડિયામાં થયો વાયરલ,
- નંદાસણ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી,
- જાહેરમાં ફાયરિંગ કરતા ડાયરાની મોજ માણી રહેલા લોકો ડરી ગયા હતા
મહેસાણાઃ કડી તાલુકાના ખેરપુર ગામે જોગણી માતાજીના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાયેલા લોક ડાયરાના કાર્યક્રમ ટાણે લોકો ડાયરાની મોજ માણી રહ્યા હતા. ત્યારે એક યુવાને મોજમાં આવી જઈને બંદુકમાંથી હવામાં બે રાઉન્ડ ફાયર કરતા લોકો ડરી ગયા હતા. આ બનાવનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. યુવાને હવામાં ફાયરિંગ કર્યું તેની સામે જ બાળકોનો સમુહ બેઠેલો વિડિયોમાં જોઈ શકાય છે. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, કડી તાલુકાના ખેરપુર ગામે જોગણી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિર બાંધવામાં આવેલું છે. તે મંદિરમાં જોગણી માતાજીના ફોટાની પ્રતિષ્ઠાને લઈ એક દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સાંજે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમાં નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને રંગ કસુંબલ ડાયરામાં રમઝટ બોલાવી હતી. ત્યારે ચાલુ ડાયરામાં એક યુવક હાથમાં બંદૂક લઈને આવે છે અને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરે છે. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ બનાવ અંગે નંદાસણ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેરપુરમાં આયોજીત ડાયરામાં રાત્રે એક શખસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે બંદૂક હાથમાં આવે તે બાદ પુષ્ટિ કરવામાં આવશે કે વીડિયોમાં જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે જ છે કે કેમ. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ખેરપુરના ગ્રામજનોના કહેવા મુજબ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં યોજાયેલા ડાયરામાં તમામ લોકો ડાયરાની મોજ માણતા હતા ત્યારે એક યુવક ચાલુ ડાયરામાં બંદૂક લઈને આવ્યો હતો, અને સૌ પ્રથમ લોકો વચ્ચે જઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. ત્યારબાદ બાળકો સામે જઈ હવામાં અન્ય એક રાઉન્ડ ફાયરિંગ કરતા બાળકો પણ ડરી ગયાં હતાં. ડાયરામાં હાજર કેટલાક લોકોએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.