પહેલગામનો બદલો કેવી રીતે લીધો દુનિયાએ જોયું, માત્ર 22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યુઃ મોદી
- લોકોને GST રિફોર્મની દિવાળીએ મોટી ભેટ મળશે,
- અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરો પૈકી એક છે,
- અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ થયો તેની ચર્ચા આખા દુનિયામાં થઈ,
- દેશની એક તૃતિયાંશ નિકાસ ગુજરાતમાંથી થઈ રહી છે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. તેમણે નિકોલમાં રોડ શો કર્યા બાદ જંગી જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર GSTમાં સુધારા કરી મોટી ભેટ આપશે. આ દિવાળીએ વેપારીઓ હોય કે કોઈપણ સૌને ખુશીનું ડબલ બોનસ મળવાનું છે. ગણપતિબાપાના આશીર્વાદથી ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા અનેક યોજનાઓનું શ્રીગણેશ થયું છે. વિકાસના દરેક પ્રોજેક્ટ જનતાના ચરણોમાં સમર્પિત કરવાની તક મળે તે મારું સૌભાગ્ય છે. વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બની રહ્યા છે. EV માટે પણ ગુજરાત મોટું હબ બની રહ્યું છે. ગુજરાત સેમિકન્ડક્ટરમાં પણ મોટું નામ કરવા જઈ રહ્યું છે. દવાઓ, ટેક્સટાઇલ, ફાર્મા ઉત્પાદનો સહિત દેશની એક તૃતિયાંશ નિકાસ ગુજરાતમાંથી થઈ રહી છે. પહેલગામનો બદલો કેવી રીતે લીધો તે આખી દૂનિયાએ જોયુ છે. માત્ર 22 મીનીટમાં બધુ સફાચટ કરી દીધુ હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. બાદમાં તેમણે મંચ પર હાજર સૌ મહાનુભાવોનો આભાર માન્યો હતો. સભામાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા ત્યારે પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ઘણી વખત મને વિચાર આવે કે આ કેવું નસીબ હશે કે તમારો પ્રેમ મને મળ્યો. સાથે જ કહ્યું કે હું આપ સૌનો આભાર માનું છું.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ગણપતિબાપાના આશીર્વાદથી ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા અનેક યોજનાઓનું શ્રીગણેશ થયું છે. વિકાસના દરેક પ્રોજેક્ટ જનતાના ચરણોમાં સમર્પિત કરવાની તક મળે તે મારું સૌભાગ્ય છે. વિકાસ કાર્યોને લઈને તેમણે જનતાને અભિનંદન પાઠવ્યા હતા. ચોમાસાને લઈને કહ્યું વરસાદની સિઝનમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેશમાં ઘણી બધી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. જેથી હું દરેક પ્રભાવિત પરિવારોને મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથે જ કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક રાજ્યની સરકારો સાથે મળીને રાહત અને બચાવના કામમાં લાગી છે.
અમદાવાદને લઈને તેમણે કહ્યું આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત દેશો પૈકી એક છે. સાથે જ તેમણે ટેરીફ વોરને લઈને પણ સ્પષ્ટ ભાષામાં જણાવ્યું કે ભારત હંમેશા પોતાના પશુપાલકોના હિતને લઈને પહેલા વિચાર કરશે. આ સિવાય તેમણે નામ લીધા વગર એવું પણ કહ્યું હતું કે આજે દુનિયાના તમામ દેશો પોતાનું જોઈ રહ્યા છે જે આખું વિશ્વ જોઈ રહ્યું છે. અમદાવાદ આજે સપનાઓ. અને સંકલ્પોનું શહેર બન્યું છે.એક સમય હતો જ્યારે અમદાવાદને ખાડાવાદ કહેતા હતા. સ્વચ્છતા અભિયાન રોજ અને પેઢી દર પેઢી કરવાનું છે. સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ તો જ ધાર્યું પરિણામ મળશે. સાબરમતી નદી સૂકી હતી અને સર્કસ થતા તેમજ બાળકો ક્રિકેટ રમતાં હતા. આજે રિવરફ્રન્ટ ફરવાનું સૌથી શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. કાંકરિયા તળાવનું પાણી પણ લીલું અને વાસ મારતું હતું. અસામાજિક તત્ત્વો માટેનું ફેવરિટ સ્થળ હતું, ત્યાં કોઈ નીકળવા તૈયાર નહોતું. આજે ફરવાનું સૌથી શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું સૌથી મોટું ઘરેણું બની ગયું છે. આજે આપણું શહેર દુનિયામાં ચમકી રહ્યું છે. આજે ટુરિઝમ માટે ગુજરાત એક ડિસ્ટોનેશન બની ગયું છે.
ઇલેક્ટ્રિક વ્હિકલ મેન્યુફેક્ચરિંગમાં પણ ગુજરાત મોટું હબ બની રહ્યું છે તેવું પીએમ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું. સેમી કન્ડક્ટર સેક્ટરમાં પણ ગુજરાત પોતાનું મોટું નામ કરવા જઈ રહ્યું છે તેવું પણ પીએમ મોદીએ જણાવ્યું હતું. ફાર્મા સેક્ટરમાં પણ ગુજરાત સૌથી આગળ છે. સાથે જ કહ્યું કે મેં જ્યારે રોડ શો કર્યો તો મોટા ભાગના ઘરોના ધાબા પર રૂફ ટોપ સોલર દેખાયા હતા. એક સમયે દીવ અને આબુ જતા લોકો, બહુ બહુ તો ધાર્મિક સ્થળોએ જતા હતા. કોન્સર્ટ ઇકોનોમીનું કેન્દ્ર બની ગયું છે. અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ થયો તેની ચર્ચા આખા દુનિયામાં થઈ હતી. અમદાવાદ મોટા કોન્સર્ટ અને સ્પોર્ટ્સ માટે તૈયાર છે. દરેક તહેવાર આત્મનિર્ભર માટેના બનવા જોઈએ.
આતંકવાદને લઈને પીએમ મોદીએ પહલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દુનિયાએ જોયું કે ભારતે કેવી રીતે આતંકવાદને જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂરને લઈને તેમણે કહ્યું કે 22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું હતું. સાથે જ તેમણે કહ્યું આતંકવાદીઓને હવે તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.
25 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા છે. વિશ્વના આર્થિક નિષ્ણાતો તેની ચર્ચા કરી રહ્યા છે. ગરીબ જ્યારે ગરીબીમાંથી બહાર આવે ત્યારે ખૂબ શક્તિશાળી બને છે. નિયો મિડલ ક્લાસ અને મિડલ ક્લાસને સશક્ત કરવા છે. અમદાવાદના ભાઈઓ માટે ખુશ ખબર જ હોય. 12 લાખ સુધીની આવકનો ઇન્કમટેક્સ માફ કરી દીધો એ વિપક્ષને ખબર જ ન પડી કે આ કેવી રીતે થાય. આપણી સરકાર GSTમાં સુધારા કરી મોટી ભેટ આપશે. આ દિવાળીએ વેપારીઓ હોય કે કોઈપણ સૌને ખુશીનું ડબલ બોનસ મળવાનું છે.
તેમણે કહ્યુ હતું કે, 11 વર્ષમાં 3000 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક નાખ્યા છે. રેલવેમાં વિદ્યુતિકરણ થઈ ગયું છે. રામાપીરના ટેકરામાં 1500 ગરીબોને પાકા મકાન મળશે. નવરાત્રિ-દીવાળીમાં આ ઘરોમાં રહેનારની ખુશી વધુ છે. પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિરૂપમાં સાબરમતી આશ્રમનું નવીનીકરણ પણ થઈ રહ્યું છે. આપણાં બે મહાપુરુષ. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બની ગયું છે, હું તે સમયે સાબરમતી આશ્રમનું નવીનીકરણ કરવા માગતો હતો. પરંતુ કેન્દ્ર સરકાર અનુકૂળ નહોતી અને તેને બાપુ પણ અનુકૂળ નહોતા.પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ સાબરમતી આશ્રમનું નવીનીકરણ છે.આ નવીનીકરણ બાદ દુનિયાની સૌથી શાંતિની પ્રેરણાભૂમિ સાબરમતી આશ્રમ બનશે. જેને કોઈ નથી પૂછતા તેને મોદી પૂજે છે.
પહેલાં એક જ વિષય હતો મિલો બંધ થઈ ગઈ, મિલો બંધ થઈ ગઈ. તે સમયે તો કોંગ્રેસનું શાસન હતું. પરંતુ આજે ગુજરાતે ઠેરઠેર વિકાસના વાવટા ફરકાવ્યા છે. નવા ઉદ્યોગોના પાયા નાંખવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ, ખેતી, ટુરિઝમ હોય દરેક માટે સારી કનેક્ટિવિટી જરૂરી છે. ગુજરાતમાં કનેક્ટિવિટીની ખૂબ સારી થઈ છે. SP રિંગ રોડ હવે સિક્સલેન બની રહ્યો છે. નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ કનેક્ટીવિટી સારી બનશે. એક સમયે લાલ બસ દોડતી હતી. આજે BRTS, એસી ઇલેક્ટ્રિક બસો છે. મેટ્રો ટ્રેનનો વિસ્તાર વધ્યો છે. વિશ્વમાં 10માંથી 9 હીરા મારા ગુજરાતમાં બને છે.
તેમણે કહ્યુ કે, સાબરમતી આશ્રમ સાક્ષી છે જે પાર્ટીએ તેમના નામે સત્તા ભોગવી છે તેમણે બાપુની આત્માને કચડી દીધી છે. છેલ્લા ઘણાં વર્ષથી દિવસ રાત ગાંધીના નામે ગાડી ચલાવતા હતા તેમના મોંમાંથી એકવાર પણ સ્વચ્છતા કે સ્વદેશી શબ્દ પણ સાંભળ્યો નહીં હોય. આ દેશ સમજી જ નથી શકતો કે તેમની સમજને શું થયું છે. 60-65 વર્ષ દેશ પર શાસન કરનારી કોંગ્રેસે ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો કારણ કે તે સરકારમાં બેઠા બેઠા ઇમ્પોર્ટમાં પણ ખેલ કરી શકે. પરંતુ આજે ભારતે આત્મનિર્ભરતાને વિક્સિત ભારતના નિર્માણનો આધાર બનાવી દીધો છે. આપણાં ખેડૂતો, માછીમારો, પશુપાલકો, ઉદ્યમીઓના દમ પર ભારત તેજીથી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. આત્મનિર્ભરતાના રસ્તે આગળ વધી રહ્યો છે.
અમદાવાદમાં હુલ્લડો થતા હતા. વાર તહેવારે ધરતી રક્તરંજિત થઈ જતી હતી.દિલ્લીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કઈ નહોતી કરતી. આજે આતંકવાદી અને તેના આકાઓને છોડતા નથી. ક્યાંય પણ છુપાયા હોય.પહેલગામનો બદલો કેવી રીતે લીધો દુનિયાએ જોયું છે.22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું. આતંકવાદની નાભિ પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર સેનાના શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છા શક્તિનું પ્રતીક બની ગયું.
ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્રધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા ચરખા ધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ. સુદર્શનચક્ર પાતાળમાંથી શોધીને દુશ્મનોને સજા આપે છે. આ જ ભાવ ભારતના નિર્ણયોમાં દેશ નહીં દુનિયા અનુભવ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરાયુ હતું. વડાપ્રધાનને આવકારવા માટે મુખ્યમંત્રી, રાજ્યપાલ, અમદાવાદના મેયર સહિત મહાનુભાવો તેમજ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય, વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન શહેરના નિકોલ વિસ્તારમાં પહોચ્યા હતા. જ્યા જનસભા પહેલા વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીનું અભિવાદન કરવા ઉમટી પડ્યા હતા.રોડ શો યોજાયા બાદ મોદી નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. જ્યા તેમણે વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયા બાદ જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું.