"વિશ્વ ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યું છે" : મોહન ભાગવત
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવા પર નાગપુરના રેશમ બાગ મેદાન ખાતે શતાબ્દી સમારોહનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં 21 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે દેશને સુરક્ષા માટે વધુ સક્ષમ અને સજાગ બનવું પડશે. ભાગવતે પોતાના ભાષણમાં સરકારોની નીતિ, લોકોમાં રહેલી બેચેની, પાડોશી દેશોમાં ઉથલપાથલ તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધોની આવશ્યકતા જેવા મુદ્દાઓને સ્પર્શ્યા હતા.
ભાગવતે યાદ કરાવ્યું કે, પહેલગામમાં થયેલા હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને હિન્દુઓની હત્યા કરી હતી. “આ ઘટનાએ સમગ્ર દેશમાં દુઃખ અને ક્રોધ ફેલાવ્યો હતો. પરંતુ અમારી સરકાર અને સેનાએ તેનો યોગ્ય પ્રતિસાદ આપ્યો છે. આ ઘટનાએ જ અમને મિત્ર અને શત્રુની ઓળખ સ્પષ્ટ કરી,” એમ તેમણે કહ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સૌ સાથે મિત્રતા રાખવા માંગે છે, પરંતુ પોતાની સુરક્ષા માટે હંમેશા સતર્ક રહેવું આવશ્યક છે.
ભાગવતે જણાવ્યું કે અમેરિકા દ્વારા અમલમાં લાવવામાં આવેલી નવી ટેરિફ નીતિની અસર દુનિયાના લગભગ તમામ દેશો પર પડી રહી છે. “વિશ્વમાં સંબંધો બનાવવા જરૂરી છે, પરંતુ તે નિર્ભરતા મજબૂરીમાં ન ફેરવાઈ જાય એ માટે આત્મનિર્ભરતા આવશ્યક છે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું.
ભાગવતે કહ્યું કે, “વિશ્વમાં હાલ બેચેની અને ઉથલપાથલ છે, આ પરિસ્થિતિ વચ્ચે સમગ્ર દુનિયા ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. ભારત પાસે માર્ગદર્શન આપવાની ક્ષમતા છે. દુનિયાની વ્યવસ્થામાં ફેરફાર જરૂરી છે, પરંતુ તેને ધીમે ધીમે બદલવાની જરૂર છે. અચાનક પાછળ વળવાથી ગાડી પલટી જાય છે. જેમના જેવો દેશ આપણે ઈચ્છીએ છીએ, તેમ આપણને પોતાને પણ બનાવવું પડશે.”