અમદાવાદના કાળુપર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની કામગીરીનો કરાયો પ્રારંભ
• પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ રોડ બનાવાશે
• કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પાછળ રૂપિયા 2384 કરોડ ખર્ચાશે
• 16 માળની બહુમાળી ઈમારત બનાવાશે એમાં 6 માળ પાર્કિંગ રહેશે
અમદાવાદઃ શહેરના કાળુપુરના રેલવે સ્ટેશનને રૂપિયા 2348 કરોડના ખર્ચે રિ-ડેવલપના કામનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ રોડ બનાવાશે. હાલ કાળુપુરના રેલવે સ્ટેશનની ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. કાળુપુર રેલવે સ્ટેશનની રિ-ડેવલપમેન્ટની કામગીરી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરાશે. રેલવે સ્ટેશન પર 12 જેટલાં પ્લેટફોર્મ બમનાવવામાં આવશે.
દેશના વિવિધ રેલવે સ્ટેશનનોને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી વ્યસ્ત અને મોટા ગણાતા અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. કાળુપુર રેલવે સ્ટેશનને બુલેટ, મેટ્રો અને ભારતીય રેલવે એમ ત્રણેય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સાથે 2,384 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના પ્રથમ ફેઝની કામગીરીનો પ્રારંભ કરાયો છે. જૂના કાળુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગ પરિસર અને અન્ય બિલ્ડિંગને ડિમોલિશન કરી બે બેઝમેન્ટ બનાવવા અને એલિવેટેડ રોડની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ ડિવિઝનના DRM અને અન્ય રેલવે અધિકારીઓએ બુધવારે સાઈટની મુલાકાત લીધી હતી. 2027માં કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ કરાશે. કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈ રીલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કાળુપુર રેલવે સ્ટેશન આખું ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે, સારંગપુર તરફ રેલવે પ્લેટફોર્મ 1 તરફનો ભાગ પાર્કિંગ પરિસર અને રીઝર્વેશન સેન્ટર સહિતની કેટલીક બિલ્ડિંગોને તોડી પાડવામાં આવી છે.
કાળુપુર રેલવે સ્ટેશનમાં અવરજવર માટેના રોડના ટ્રાફિકને ક્યાંય બહારના ભાગે આવવાની જરૂર નહીં પડે સીધા પોતાની રીતે નીકળી જાય તેના માટે એક અલગ એલિવેટેડ આખો રોડ બનાવવામાં આવ્યો છે. જે કાળુપુર અને સારંગપુરને જોડતો હશે. કોઇપણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે.
DRM સુધીરકુમાર શર્માએ કહ્યુ હતું કે, રિડેવલપમેન્ટ અંતર્ગત પાર્સિલ બિલ્ડિંગ અને બે બેઝમેન્ટ જેમાં 3,300થી વધારે વાહનો પાર્કિંગ થઈ શકશે. જે બેઝમેન્ટ બનાવવા ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે. કાળુપુરનો વિસ્તાર ખૂબ જ જૂનો અને સાંકડો-ગીચ વિસ્તાર હોવાના કારણે સ્ટેશનને જમીનથી 10 મીટર ઉપર સારંગપુર અને કાલુપુરને જોડતા એક પહોળા એલિવિટેડ રોડ બનાવવાની કામગીરી પણ ખૂબ ઝડપી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાળુપુર તરફ બનાવવામાં આવશે. કુલ 16 માળની ઇમારત બનાવવામાં આવશે. બે બેઝમેન્ટ બનશે. પહેલાં 6 માળમાં પાર્કિંગ બનશે. તેની ઉપર 4થી 5 માળમાં રેલવેની ઓફિસો બનાવવામાં આવશે. જ્યારે તેની ઉપરના તમામ માળ પર મુસાફરો માટે સુવિધાઓ હશે. 10 મીટર ઉપર રહેલા કોનકોર્સથી બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે. મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને રેલ્વે એમ ત્રણેય માટે લોકો પહોંચી શકાય તેવું આયોજન કરાયું છે.