સંસદનું શિયાળુ સત્ર SIR અને વોટ ચોરી સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંસદના શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજુરી આપી છે. આ સત્ર તા. 1 ડિસેમ્બર 2025થી શરૂ થઈને 19મી ડિસેમ્બર સુધી ચાલશે. તેમ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું છે. શિયાળુ સત્ર એસઆઈઆર સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. હાલ બિહાર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે હજુ એક તબક્કાનું મતદાન બાકી છે એટલે મોટાભાગના રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. 14મી તારીખે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિપક્ષી પક્ષો સંસદના શિયાળુ સત્રને લઈને રણનીતિ તૈયાર કરશે. શિયાળુ સત્રમાં એસઆઈઆર અને વોટ ચોરી સહિતના મુદ્દે વિપક્ષ ભારે હંગામો મચાવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ રાહુલ ગાંધીએ ભાજપા ઉપર વોટચોરીના ગંભીર આરોપ લગાવ્યાં છે.
કિરન રિજિજૂએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તા. 1 ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર સુધી સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજુરી આપી છે. આ સત્ર એક રચનાત્મક અને સાર્થક સત્રની આશા છે જે આપણા લોકતંત્રને મજબુત કરશે અને લોકોની આકાંશાઓ પુરી કરશે. આ પહેલા સંસદનું ચોમાસુ સત્ર 21મી ઓગસ્ટના રોજ અનિશ્ચિતકાલ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. આ સત્રમાં એસઆઈઆર પર વિપક્ષએ હંગામો મચાવ્યો હતો. જેના પરિણામે સંસદમાં 166 કલાક થઈ શક્યું ન હતું. જેનાથી જનતાના ટેક્સના લગભગ 248 કરોડનો વ્યય થયો હતો. વિશેષ ચર્ચા બાદ ઓપરેશન સિંદુર મામલે વિવાદ અટક્યો હતો. પરંતુ એસઆઈઆરને લઈને અંતિમ દિવસ સુધી હંગામો રહ્યો હતો. હંગામાને પગલે લોકસભાના 84.5 કલાક જ્યારે રાજ્યસભાના લગભગ 81.12 કલાક બગડ્યા હતા. રાજ્યસભાની કાર્યવાહી લગભગ 38.88 કલાક ચાલી હતી.