140 કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકવાદના દોષિતોની કમર તોડી નાખશેઃ વડાપ્રધાન
- પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી અમૃતકાળને સુવર્ણકાળ બનાવીએ
- વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી
- આતંકવાદને છોડવામાં આવશે નહીં, ન્યાય સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરાશે
ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના આખજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 27.22 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 172 વિકાસલક્ષી કામોનું ઈ-લોકર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 140 કરોડ ભારતિયોની ઈચ્છાશક્તિ હવે આતંકવાદના દોષિતોની કમર તોડી નાંખશે.
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દેશવાસીઓ માટે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીની સાથે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત તમામે પોતાના સ્થાન પર ઊભા રહીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં મધુબની બિહાર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
વડાપ્રધાને એમના સંબોધનમાં કહ્યું હતું કે, "છેલ્લાં એક દાયકામાં પંચાયતોને સશક્ત બનાવવા માટે સતત પગલાં લેવામાં આવ્યાં છે. છેલ્લા દાયકામાં 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ સાથે જોડાઈ છે ત્યારે પંચાયતોને મજબૂત કરવામાં ટેકનોલોજીએ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે."
વડાપ્રધાને દોર્યું હતું કે, ગામડાઓમાં 5.5 લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવી છે, જેમાં પંચાયતોનું ડિજિટલાઇઝેશન વધારાનાં લાભો લાવ્યું છે, જેમ કે જન્મ અને મૃત્યુનાં પ્રમાણપત્રો અને જમીન ધરાવતાં પ્રમાણપત્રો જેવા દસ્તાવેજો સરળતાથી મેળવી શકાય છે. જ્યારે દેશને આઝાદીનાં દાયકાઓ પછી નવું સંસદ ભવન મળ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં 30,000 નવા પંચાયત ભવનોનું નિર્માણ પણ થયું છે.
વડાપ્રધાનએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, પંચાયતોએ સામાજિક ભાગીદારીને મજબૂત કરી છે. તેમણે નોંધ્યું હતું કે, બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે કે જેણે પંચાયતોમાં મહિલાઓને 50 ટકા અનામત પ્રદાન કરી છે. અત્યારે બિહારમાં આર્થિક રીતે નબળાં વર્ગો, દલિતો, મહાદલિતો, પછાત અને અતિ પછાત સમુદાયોની નોંધપાત્ર સંખ્યામાં મહિલાઓ જનપ્રતિનિધિઓ તરીકે સેવા આપી રહી છે અને તેને સાચો સામાજિક ન્યાય અને વાસ્તવિક સામાજિક ભાગીદારી ગણાવી છે. વધારે ભાગીદારી સાથે લોકશાહી વિકસે છે અને મજબૂત બને છે. આ વિઝનને પ્રતિબિંબિત કરતા તેમણે ઉમેર્યું કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત પ્રદાન કરતો કાયદો પણ બનાવવામાં આવ્યો છે. તેનાથી તમામ રાજ્યોની મહિલાઓને લાભ થશે, જેનાથી આપણી બહેનો અને પુત્રીઓને વધારે પ્રતિનિધિત્વ મળશે.
જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલનાં રોજ આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની ઘાતકી હત્યા કરવા પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સમગ્ર દેશ વ્યથિત છે અને શોકગ્રસ્ત પરિવારો સાથે ઊભો છે. સારવાર લઈ રહેલા લોકોની ઝડપથી સ્વસ્થ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.