For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો વિયર કમ કોઝ-વે 144 દિવસ બાદ ખૂલ્લો મુકાયો

05:05 PM Nov 22, 2025 IST | Vinayak Barot
સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો વિયર કમ કોઝ વે 144 દિવસ બાદ ખૂલ્લો મુકાયો
Advertisement
  • તાપી નદીની જળ સપાટી વધતા ચાર મહિનાથી કોઝ-વે વાહનો માટે બંધ કરાયો હતો,
  • કોઝવેની સપાટી 6 મીટરથી ઘટીને 5.56 મીટરે પહોંચી,
  • કોઝ-વે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને રાહત

સુરતઃ શહેરમાં કતારગામ અને રાંદેર ગામતળને જોડતા તાપી નદી પરના  વિયર કમ કોઝવે છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી બંધ હતો. તાપી નદીમાં સતત વધી રહેલા જળ પ્રવાહને કારણે કોઝવેની સપાટી ભયજનક બનતા વાહન વ્યવહાર માટે કોઝ-વે બંધ કરવામાં આવ્યો હતો. તેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. હવે કોઝવેની જળ સપાટી ભયજનક એટલે કે 6 મીટરથી નીચે ઉતરી 5.56 મીટરે પહોંચતા આજથી કોઝવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

Advertisement

સુરત શહેરમાં તાપી નદી પર કતારગામ અને રાંદેર ગામને જોડતો વિયર કમ કોઝવે 31 કરોડના ખર્ચે બનાવ્યો હતો. આ કોઝવેને લીધે વાહનચાલકોને ભારે રાહત થતી હતી, પણ તાપી નદીમાં જળ પ્રવાહ વધતા અને કોઝવેની સપાટી ભયજનક બનતા કાઝવેને બંધ કરવામાં આવ્યો હતો. આ કોઝવે પર ભૂતકાળમાં 14 કરોડનું સમારકામ કરવા છતાં, તેની માળખાકીય સ્થિતિ સતત કથળી રહી છે. કોઝવેના સ્ટ્રેન્થનિંગ (સશક્તિકરણ) માટેની મહત્વની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ગત વર્ષે થયેલું નુકસાન આ વર્ષના ચોમાસામાં વધુ વકર્યું હતુ. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં 23 જૂનના રોજ જ કોઝવેમાં પાણીની સપાટી ભયજનક સ્તરને આંબી ગઈ હોય વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે ઉતરતા વાહનવ્યવહાર માટે શરૂ કરાયો હતો. જોકે, સાત જ દિવસમાં ફરીવાર 6 મીટરની ભયજનક સપાટીએ પહોંચતા ફરી બંધ કરી દેવાયો હતો. છેલ્લા 144 દિવસથી બંધ કોઝવેને આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

સુરત મ્યુનિના સૂત્રોના કહેવા મુજબ સિઝનમાં હમણાં સુધી જૂન માસમાં 8 દિવસ, જુલાઈમાં 31 દિવસ, ઓગસ્ટમાં 25 દિવસ, સપ્ટેમ્બરમાં 30 દિવસ, ઓક્ટોબરમાં 31 દિવસ અને હાલમાં નવેમ્બરમાં 20 દિવસ કોઝવે બંધ રહ્યો હતો. જોકે, હવે કોઝવેની સપાટી ભયજનકથી નીચે ઉતરી 5.56 મીટરની સપાટીએ પહોંચ્યો છે. ચાલુ સિઝનમાં પાણીના વહેણને પગલે કોઝવેની બન્ને બાજુનું આરસીસી સ્ટ્રક્ચર અસરગ્રસ્ત થયું છે. કોઝવે ખુલ્લો મુકાતા કતારગામ અને રાંદેરના હજારો લોકોને રાહત મળશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement