ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે આજે સ્થળ નક્કી કરાશે
- AICCના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવી પહોંચ્યા
- વેણુગોપાલ શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળનું નિરીક્ષણ કરશે
- રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજાશે
અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8મી અને 9મી એપ્રીલના રોજ ગુજરાતમાં યોજાશે, અધિવેશન ક્યા સ્થળે યોજવું તેની પસંદગી માટે AICCના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક મળશે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમીટીના મહા સચિવ કે.સી. વેણુગોપાલ આજે અમદાવાદ પહોંચતા મોટી સંખ્યામાં કાર્યકરો એરપોર્ટ પર તેમને આવકારવા પહોચ્યા હતા. આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટે વેણુગોપાલ અમદાવાદ આવ્યા છે. આજે અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળના નિરીક્ષણ માટે ગયા હતા અને ત્યારબાદ હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં અધિવેશનને લઈ નેતાઓને જવાબદારીઓ સોંપાશે.
એઆઈસીસીના મહાસચિવ સી વેણુગોપાલે જણાવ્યું છે કે રાષ્ટ્રીય અધિવેશનની સ્થળ પસંદગી માટે ગુજરાત આવ્યો છું. અમે અને ગુજરાત ગાંધીજી-સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ. ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના AICC પ્રતિનિધિઓ એકત્રિત થશે, જ્યાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે.
કોંગ્રસનું રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ આગામી તા. 8 એપ્રિલે થશે. પ્રથમ દિવસે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળશે. જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે.