અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાનો નિર્ણય એક મહિના માટે મુલતવી રાખ્યો
મેક્સિકો બાદ હવે અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાના નિર્ણયને 30 દિવસ માટે રોકવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેનેડા દ્વારા ફેન્ટાનાઇલ જેવી ગેરકાયદેસર દવાઓને કેનેડાની સરહદ દ્વારા યુએસમાં પ્રવેશતા અટકાવવા માટે પગલાં લીધા બાદ 30 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
"કેનેડાએ ખાતરી કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની તેની ઉત્તરીય સરહદ સુરક્ષિત રહેશે," ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ ટ્રુથ પર લખ્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની એક પોસ્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું કે તેમણે સરહદ સુરક્ષા માટે 1.3 બિલિયન કેનેડિયન ડોલર ખર્ચવાનું વચન આપ્યું છે.
ટ્રુડોએ કેનેડા-યુએસ સરહદ પર દેખરેખ રાખવા માટે એક અધિકારીની નિમણૂક કરી છે, જે ડ્રગ કાર્ટેલ સામે કાર્યવાહી કરશે. બે દિવસ પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25-25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.