હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પિતૃતર્પણના અક્ષિતારક સમો ગ્રંથ ‘સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર’ : ડૉ. મુકેશ જોષી

03:16 PM May 23, 2025 IST | revoi editor
Advertisement

પુસ્તક સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્રની જાણીતા સર્જક અને પૂર્વ મુખ્ય ઇજનેર ડૉ. મુકેશ જોશીએ સમીક્ષા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પિતા-પુત્રની જોડી એક જ વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં હોય એ કદાચ ઘણી વાર જોવા મળતો યોગાનુયોગ હોઈ શકે, પરંતુ એક પુત્ર દ્વારા પોતાના સ્વર્ગસ્થ પિતાજીનું ખરું તર્પણ તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાંઓને શબ્દદેહે કંડારીને, ગ્રંથસ્થ કરીને કરવામાં આવે તે ભાગ્યે જ જોવા મળતો સુભગ “યોગ” ગણાય. “સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર” એ જાણીતા ગુજરાતી લેખક અને નિવૃત્ત અધિક માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદી દ્વારા તેમના પિતાજી સ્વ. મનુભાઈ ત્રિવેદીના જીવનનાં વિવિધ પાસાં પૈકી કેટલીક બાબતોના આલેખનનું સંકલન કરીને અપાયેલી એવી અંજલિ છે જે તેના વાચકોને પિતા-પુત્ર વચ્ચેના મોટે ભાગે અવ્યક્ત રહેતા સંબંધની સતત યાદ અપાવશે; એટલું જ નહિ પરંતુ એક મધ્યમવર્ગીય પરિવારમાં પોતાનાં કર્મઠ જીવન થકી એક પિતા કેવો અદ્રશ્ય પાયો નાખી આપે છે તેની સત્ય ઘટનાથી પ્રેરિત પણ કરશે.

Advertisement

સુંદર શીર્ષક, લે-આઉટ, છપાઈ અને બાઈંડિંગ સાથે તૈયાર થયેલો આ ગ્રંથ જ્યારે હાથમાં લીધો ત્યારે તેના મુખપૃષ્ઠ ઉપર એક જાજરમાન વ્યક્તિત્વની ઝલક આપતું ચિત્ર અને સુવર્ણ અક્ષરોમાં અંકિત થયેલા શબ્દો ‘સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર’ ઊડીને આંખે વળગી ગયાં. સામાન્ય અપેક્ષાથી વિપરીત મુખપૃષ્ઠ ઉપર ક્યાંય સ્વ. મનુભાઈ ત્રિવેદીનું નામ નથી પરંતુ ગુજરાતના પ્રખર વિદ્વાન શ્રી કે. કા. શાસ્ત્રીજીએ એમની ઓળખ માટે ઉપયોગમાં લીધેલા બે શબ્દો છે.... ‘સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર’! મનુષ્ય જીવનમાં નામ કરતાં કામનું મહત્વ છે તે આ મુખપૃષ્ઠ ઉપરથી સુપેરે પ્રતિપાદિત થાય છે. આગળ પાછળના પાકાં પૂંઠાનાં સરસ આવરણ વચ્ચેના 250 પાનામાં સંપાદિત થઈ છે સ્વ. મનુભાઈ ત્રિવેદીના આઠ દાયકાના જીવન વિષેની એવી રસપ્રદ માહિતી. એમના દેહવિલયના અઢી દાયકા પછી સંકલિત કરવાનું આ કાર્ય જરાય સરળ નહોતું. વળી, પ્રાપ્ત થયેલ માહિતીને જરા પણ મરોડ્યા વિના અને બિનજરૂરી વાઘા પહેરાવ્યા વિના કાગળ ઉપર મૂકવી અને તેને આત્મકથા તરીકે ના ખપાવાય તેની સભાનતા જાળવવી એ સંપાદક તરીકે અઘરું બને તે સ્વાભાવિક છે. અને એમાંય જ્યારે એ સંપાદક પોતે જ પુત્ર હોય, એકે એક વાત સાથે પોતાની આત્મીય લાગણી જોડાયેલી હોય ત્યારે તો એ વિશેષ પડકારરૂપ બની જાય છે. અહીં પુલક ત્રિવેદી આ પડકાર ઝીલવામાં સફળ રહ્યાં છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી.

પોતાના પિતાજી મનુભાઈ ત્રિવેદી રાજ્ય સરકારના માહિતી વિભાગના એક સંનિષ્ઠ અને વરિષ્ઠ અધિકારી તરીકે વિભાગની કામગીરીમાં, સરકારની પ્રતિભા ઉપસાવવામાં અને તે થકી રાજ્યના વિકાસમાં કેવી ચાવીરૂપ કામગીરી કરી ગયા છે તેની વાતો કરીને પણ લેખ, સંપાદક એક સરસ પુસ્તક આપી શકત. પરંતુ એમ કરવાને બદલે આ પુસ્તકમાં મનુભાઈના અનોખા જીવન કર્તવ્યનો સમગ્રતયા ચિતાર આપવાનો પ્રયાસ કરાયો છે – એક શિક્ષકપુત્ર, એક વાચક, એક વિચારક, એક ચિંતક, એક પ્રબુદ્ધ, એક પ્રખર વક્તા, એક વાત્સલ્યમૂર્તિ, એક નિર્ભય મોટાભાઈ, એક મળવા જેવા માણસ, એક ખુમારી અને રાષ્ટ્ર પ્રેમથી ભરેલા સ્વાતંત્ર્ય માટેના લડવૈયા, એક મહર્ષિ અરવિંદના અનુયાયી, એક નિખાલસ વેવાઈ, એક સત્વશીલ લેખક, એક સંવેદનશીલ સ્વજન વગેરે વગેરે અનેક કિરદારોને આવરી લેવાયા છે. રજૂઆતની શૈલી એવી રસાળ છે કે આ બધાં ગુણો જુદી જુદી કલમેથી નિતરતા રહ્યાં છે અને એકબીજાથી લગીરે અળગા ના રહેતાં એકમેકમાં તાણા વાણાની જેમ ગૂંથાતા જાય છે – બિલકુલ મનુભાઈના જીવનની જેમ જ!

Advertisement

‘સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર’ ત્રણ વિભાગોમાં સુઆયોજિત ગ્રંથ છે : પ્રથમ વિભાગમાં મનુભાઈના 15 જૂલાઈ 1922ના રોજ જન્મ થયાથી માંડી તેમના પીજ, કપડવંજ અને અમદાવાદ વચ્ચે વીતેલા શૈશવ અને યુવાનીની અદભૂત વાતો પાંચ પ્રકરણોમાં કરાઈ છે; જે લેખક પુલક ત્રિવેદીએ પોતે આલેખી છે. એમાં મનુભાઈ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન જેલમાંથી છૂટવા માટે પોતાના પિતાજીના સતત આગ્રહ અને દબાણ છતાં માફી માંગવાની સાફ ના પાડી દે છે તે કિસ્સો એમની સત્યનિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમની ઊંચેરી કક્ષા દર્શાવે છે. તો વળી; ફરજ દરમ્યાન એરપોર્ટ ઉપર અકસ્માતે પડી જવાથી ડાબા થાપાના સાંધાના બૉલનું મેજર ફ્રેકચર થયેલું હોવા છતાં એ દર્દ સહન કરીને પણ પોતાનું કામ સંતોષકારક રીતે પૂર્ણ કરતાં મનુભાઈ વાચકોના મન ઉપર એક આગવી છાપ છોડી જાય છે.  ગ્રંથના બીજા વિભાગમાં સ્વ. મનુભાઈ ત્રિવેદીના મિત્રો, સાથીઓ અને સ્નેહીઓનાં સંસ્મરણો એમના જ શબ્દોમાં રજૂ કરાયા છે જે વાચકો માટે વૈવિધ્યપૂર્ણ સામગ્રી બની રહે છે. આ વિભાગમાં 23 અલગ અલગ પ્રકરણો છે જે જાણિતા સાહિત્યકારોથી લઈને તેમના સહકર્મીઓ દ્વારા સંભારણા સ્વરૂપે લખાયા છે. કોઈએ એમને માયાળુ મિત્ર કહ્યાં છે તો કોઈએ સમર્પિત અને સક્ષમ અધિકારી; કોઈએ ચૈતન્યસભર ચિંતક કહ્યાં છે તો કોઈએ ધરતી ઉપર ભૂલો પડેલો ઓલિયો! કોઈએ એમને સાંચામાં ઢળી જવાની બદલે નવાં ઉત્તમ બીબાં ઢાળનારા વ્યક્તિ તરીકે નવાજ્યા છે તો કોઈએ વાત વાતમાં મનુભાઈએ શીખવેલા જીવનના અમૂલ્ય પદાર્થ પાઠને યાદ કર્યા છે. આ 23 પ્રકરણોના અભ્યાસ દ્વારા વાચકને પોતાના માનસપટ ઉપર મનુભાઈના બહુઆયામી વ્યક્તિત્વની છબી ઉપસતી જોવા મળે છે.

જેને સંપાદકે ખૂબ જ યથાર્થ રીતે “આચમન” નામ આપ્યું છે તે ત્રીજા વિભાગમાં મનુભાઈ ત્રિવેદીએ વર્ષ 1990-91 દરમ્યાન એટલે કે લગભગ 34 વર્ષ પૂર્વે મહર્ષિ અરવિંદ રચિત મહાકાવ્ય “સાવિત્રી” (જેની વિદ્વાનો રવિન્દ્રનાથ ટાગોર રચિત ગીતાંજલિ સાથે સરખામણી કરે છે અને કેટલાક તો તેનાથી પણ ઉત્કૃષ્ટ માને છે) વિષે ટપકાવેલી નોંધ છે. વાસ્તવમાં આ માત્ર નોંધ નથી પરંતુ ચિંતન લેખોનો અમુલ્ય સંપુટ છે. આટલાં બધાં વર્ષો અગાઉ ટાંચા સંસાધનો વચ્ચે એ વખતની એમની 72 વર્ષની ઉંમરે મનુભાઈ “સાવિત્રી” મહાકાવ્યનો આટલા રસપૂર્વક અભ્યાસ કરે અને એના ઉપર પોતાનું મૌલિક ચિંતન હસ્તાક્ષરમાં નોંધે તે નાની સૂની વાત નથી. અહીં સંપાદકે કરબદ્ધ એકરાર કરતાં જણાવ્યું છે કે, બિલકુલ જર્જરિત થઈ ગયેલા હસ્તપ્રતના કાગળો ઉપરની સ્યાહી ઉડી જવાના કારણે વાંચી પણ શકાતાં ના હતાં તેમ છતાં એને સંકલિત કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો છે. પિતાજીની આધ્યાત્મિક ચિંતનયાત્રાના લખાણો ભલે નિજાનંદ માટે જ લખાયા હોય, પરંતુ હવે આ તબક્કે તેને જિજ્ઞાસુ વાચકોની સમક્ષ આ ગ્રંથના માધ્યમથી રજૂ કરીને આ લખાણોને અમર બનાવવાનું પ્રશંસનીય કામ એક પુત્ર તરીકે કરીને સંપાદક પુલક ત્રિવેદીએ તેમના પિતાજીના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ‘સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર’ ના સમાપન તરફ જતાં સંપાદકે મનુભાઈના જીવનની તસ્વીરી ઝલક દર્શાવી છે કેટલીક અલભ્ય તસ્વીરો દ્વારા; જે મનુભાઈના જીવનની વિવિધ અવસ્થાઓમાં તેમના મનોભાવોને, એમની વ્યવસાયિક કાર્યદક્ષતાને તેમજ તેમના ઉચ્ચ કક્ષાના સંપર્કોને સરસ રીતે અભિવ્યક્ત કરે છે.

અને છેલ્લે, “મારું વિશ્વ પપ્પા” એ શીર્ષક સાથે લેખક પોતાની હૃદય ઊર્મિઓને ઠાલવતાં વાચકને એક અલગ જ ભાવ વિશ્વમાં લઈ જાય છે. ‘પપ્પા તો નજર સામે ન દેખાતો ઈમારતનો મજબૂત પાયો છે’ અને ‘પપ્પા વગરનું જીવન ભગવાન વિનાનાં મંદિર જેવું લાગે’ જેવા સ્વાનુભવના વિધાનો વાચકોને પોતપોતાના વાત્સલ્યમૂર્તિ પિતાજીની યાદોમાં ભીંજવી ના દે તો જ નવાઈ! પપ્પા વિષેની અર્વાચીન કવિતાથી ઉઘાડ પામેલ ગ્રંથ ‘સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર’ કવિ દલપતરામની પિતાજી વિષેની અમર કવિતાથી પૂર્ણ થાય છે અને વાચકને અનુભૂતિ થાય છે એક સાધારણ માનવીના અસાધારણ જીવનકાર્યની. ‘પિતા’ નામના માનવ જીવનના એક અતિ મૂલ્યવાન અધ્યાયમાંથી પસાર થયાની લાગણી સાથે વાચક પણ લેખક – સંપાદક અને તેના પરિવારની દિવ્ય અંજલિમાં અનાયાસે સમ્મિલિત થઇ જાય છે. મને પિતાજી વિષે લખાયેલી મારી એક ગઝલ યાદ આવી ગઈ, એના કેટલાક શેર મુકીને વિરમુ છું.

“મને જગ બતાવ્યું, પિતાજી તમે તો;

જીવનને વધાવ્યું, પિતાજી તમે તો.

સહી ઘાવ સઘળાં તમારી ઉપર ને;

દરદ સહુ ભગાડ્યું, પિતાજી તમે તો.

પરમ કોઈ પિતા જગતનો ય છે એ;

મને સમજાવ્યું, પિતાજી તમે તો.”

સાદગી, સ્વાધ્યાય અને સમયપાલનની ત્રિમૂર્તિ એવાં સ્વ. મનુભાઈ ત્રિવેદીના અદભૂત જીવનના અંશોનું ઉત્તમ દસ્તાવેજીકરણ કરીને લેખક-સંપાદક પુલક ત્રિવેદીએ ગુજરાતી સાહિત્યને અનેરું યોગદાન આપ્યું છે. એ. પી. પ્રકાશન હાઉસ, ગાંધીનગર પણ મનોરમ્ય પ્રકાશન માટે અભિનંદનને પાત્ર છે. તમે પિતા હો કે પછી પુત્ર કે પુત્રી; માનવ જીવનનો અર્થ અને અર્ક સમજાવી સ્વયં પ્રેરિત કરતું આ પુસ્તક વાંચવા અને વંચાવવા લાયક છે. પુસ્તક પ્રાપ્તિ સ્થાન એપી પ્રકાશન હાઉસ, સેક્ટર-21, ચંદન એ ન્ટર્પ્રાઇઝ બાજુમાં, ગાંધીનગરથી રૂ. 500ની કિંમતે પ્રાપ્ત કરી શકાશે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article