For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઝાલાવાડના સુપ્રસિદ્ધ તરણેતરના ત્રિદિવસીય લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ

04:20 PM Aug 26, 2025 IST | Vinayak Barot
ઝાલાવાડના સુપ્રસિદ્ધ તરણેતરના ત્રિદિવસીય લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ
Advertisement
  • મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન,
  • મેળામાં કુલ 2500 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તૈનાત,
  • ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અને જલાભિષેક કરાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડનો ભાતીગળ ગણાતો વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળોનો આજથી દબદબાભેર પ્રારંભ થયો છે. તરણેતરના ત્રિદિવસીય લોકમેળામાં લાખો લોકો ઉમટી પડશે.આ મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સંસ્કૃતિ, આનંદ અને સુવ્યવસ્થાનો અનોખો સમન્વય જોવા મળશે. મેળાને મહાલવા આવનારા પ્રવાસીઓ માટે 24 કલાક એસટી બસ સેવા મળી રહેશે.

Advertisement

જિલ્લાના થાન નજીક યોજાયેલા તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામા પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કુલ 31 સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. આ ઉપરાંત “20મી ગ્રામીણ ઓલિમ્પિક” સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યભરના રમતવીરો સહભાગી થશે. યુવાનોને રમત-ગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા રમત-ગમત વિભાગે વિસ્તૃત આયોજન કર્યું છે. ત્રણ દિવસ સુધી યોજાનારી જુદી-જુદી સ્પર્ધાઓ રાજ્યભરના રમતવીરો આગવું કૌવત બતાવશે. ગ્રામીણ યુવાનોને તેમની પરંપરાગત રમતો સાથે આધુનિક રમતોમાં પણ પોતાની ક્ષમતા દર્શાવવાની સોનેરી તક મળશે. ખેલાડીઓનું મનોબળ વધારવા અને રમત-ગમત પ્રત્યેનો જુસ્સો વધારવા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માન આપીને પ્રોત્સાહિત કરાશે.

સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ તરણેતર મેળા માટે પોલીસ વિભાગે વિશાળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મેળામાં કુલ 2500 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ બંદોબસ્તમાં 8 DYSP, 51 PI અને 100થી વધુ PSIનો સમાવેશ થાય છે. મહિલા સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપતા શી-ટીમની રચના કરવામાં આવી છે. મેળા પરિસરમાં કન્ટ્રોલરૂમ સ્થાપવામાં આવ્યો છે અને CCTV કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકમેળાનો પ્રારંભ આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અને જલાભિષેકથી થયો હતો. પ્રવાસન મંત્રી મુળુ બેરા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા. સવારે 10:30 કલાકે પશુ મેળો, ગ્રામીણ રમતોત્સવ અને પારંપરિક સ્પર્ધાઓનું ઉદ્ઘાટન કરાયુ હતું.

Advertisement

લોકમેળા દરમિયાન દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 27 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે લોકડાયરો થશે. 28 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે ગુજરાત ટુરિઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાદરવા સુદ છઠ્ઠ તા. 29 ઓગસ્ટના રોજ સવારે 7 કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12.00 કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement