જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળતા તંત્ર દોડતું થયું
નવી દિલ્હીઃ જયપુરથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળી આવતા હડકંપ મચી ગયો હતો. સાવચેતીના પગલા તરીકે, સોમવારે રાત્રે 8:43 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ રાત્રે 8:50 વાગ્યે લેન્ડ થઈ હતી. વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી નથી.
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) એરલાઇન્સ અને સુરક્ષા એજન્સીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે. CSMIA કહે છે કે મુસાફરો અને સ્ટાફની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાનમાં 225 મુસાફરો સવાર હતા. વિમાનના શૌચાલયમાં બોમ્બની ધમકીવાળી ચિઠ્ઠી મળી આવી હતી, જેના કારણે વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
એક નિવેદનમાં, CSMIAએ જણાવ્યું હતું કે, "જયપુર (JAI)થી મુંબઈ (BOM) જઈ રહેલા વિમાનમાં ધમકીભરી ચિઠ્ઠી મળી આવી હતી. સાવચેતીના પગલા તરીકે, મુંબઈ એરપોર્ટ પર રાત્રે 8:43 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. વિમાન રાત્રે 8:50 વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું. એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી ન હતી."
તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈથી વારાણસી જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. એરપોર્ટના એક અધિકારીએ પુષ્ટિ આપી છે કે ફ્લાઇટ દરમિયાન એક વૃદ્ધ મુસાફરનું મૃત્યુ થયું હતું.
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની રહેવાસી 89 વર્ષીય સુશીલા દેવીને ફ્લાઇટ દરમિયાન અસ્વસ્થતા અનુભવાયા બાદ રવિવારે રાત્રે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ક્રૂએ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો અને વિમાનને નજીકના એરપોર્ટ તરફ વાળ્યું, પરંતુ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તબીબી સહાય મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું.