સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો સ્વિમિંગ પુલ 6 મહિનાથી બંધ
- સૌરાષ્ટ્ર યુનિ સ્વિમિંગ પુલ માટે વર્ષે 35 લાખનો ખર્ચે કરે છે
- સ્વિમિંગ પુલથી યુનિને વર્ષે માત્ર 5 લાખથી આવક
- કોચએ રાજીનામું આપ્યા બાદ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલો સ્વિમિંગ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે. સ્વિંમિંગ પુલના તળિયે લીલ જામી ગઈ છે. અને જર્જરિત બની રહ્યો છે. કહેવાય છે. કે, હવે યુનિવર્સિટીને સ્વિમિંગ પુલની સંભાળ માટેનો ખર્ચ પરવડતો નથી. કારણ કે વર્ષે સ્વિમિંગ પુલની સંભાળ માટેનો ખર્ચ 35 લાખ થાય છે. તેની સામે આવક માત્ર 5 લાખ થાય છે. સ્વિમિંગ પુલના કોચે પણ રાજીનામું આપી દીધું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છ વર્ષ પહેલા રૂપિયા 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલો 7 ફૂટ ઉંડો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ શોભાના ગાંઠીયા સમાન બની ગયો છે. અહીં દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કોચે રાજીનામું આપી દેતા છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં છે. ઉનાળામાં પણ સ્વિમિંગ પૂલ શરૂ થાય તેવી કોઈ જ શક્યતા નથી.
સૌરાષ્ટ્ર યુનિના સૂત્રોના કહેવા મુજબ યુનિના સ્વિમિંગ પૂલના મેઇન્ટેનન્સ માટેનો વાર્ષિક ખર્ચ રૂ. 35 લાખ થાય છે અને તેની સામે આવક રૂ. 5 લાખ હોવાથી સ્વિમિંગ પૂલ બંધ છે. આ ઉપરાંત અહીં આવેલા આઉટડોર સ્વિમિંગ પૂલમાં 28 લાખ લીટર તો ઇન્ડોર સ્વિમિંગ પુલમાં 7 લાખ લિટર પાણીની જરૂરિયાત પરિપૂર્ણ કરવી પણ મુશ્કેલ બની છે. તેથી હવે ખાનગી સંસ્થાને ચલાવવા માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવશે. આ સ્વિમિંગ પૂલનું જ્યારે નિર્માણ થયું ત્યારે તેમાં સ્લોપ એટલે કે ઢાળ બનાવવામાં આવ્યો ન હતો. એટ્લે કે ભૂલ રહી ગઈ હતી. જેથી આ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ શીખી શકાતું નથી પરંતુ શિખાઉ સ્વિમર પ્રેક્ટિસ કરી શકે છે. જેથી હવે સ્લોપ બનાવવા માટે વધુ રૂ. 15 લાખનો ખર્ચ થાય તેમ છે. આ સ્વિમિંગ પૂલ વોટર પોલો ગેમ માટે જ કામનો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનુ એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન પણ કોચના અભાવે બંધ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2017 માં રૂ. 10 કરોડનાં ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવામાં આવેલું છે. જોકે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પુલની કેપેસિટી વધુ હોવાથી ઉપરાંત મેન્ટેનન્સ ચાર્જ વધુ હોવાથી સ્વિમિંગ પૂલ 6 મહીનાથી બંધ છે. ગત સપ્ટેમ્બર મહિનામાં સ્વિમિંગ પૂલ જ્યારે ચાલુ હતો ત્યારે 16 જેટલા મેમ્બર બહારના અને 50 વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના હતા. જેઓ અહીં સ્વિમિંગની પ્રેક્ટિસ કરવા માટે આવતા હતા. આઉટડોર સ્વિમિંગ પૂલની 28 લાખ લિટર પાણીની કેપેસિટી છે. જ્યારે ઇન્ડોર સ્વિમિંગ પૂલની 7 લાખ લિટર પાણીની કેપેસિટી છે. યુનિવર્સિટી પાસે હીટર છે જે પાણી હું હુંફાળું રાખે, ક્લોરિન માટેનુ મશીન છે. પરંતુ કોઈને સારી રીતે ચલાવવું હશે તો વધુમાં વધુ લોકો લાભ લે તે માટેના પ્રયાસો કરવા પડશે. અગાઉ કોન્ટ્રાક્ટ આધારિત સ્વિમિંગ કોચ હતા.