સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટના ભાવને રેગુલર કરવાની અરજી ફગાવી અને કહ્યું- આ ફ્રી માર્કેટ છે
સુપ્રીમ કોર્ટની બેન્ચે દેશમાં ઈન્ટરનેટના ભાવને રેગુલર કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે રજત નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે ગ્રાહકો પાસે ઇન્ટરનેટ સેવાઓનો લાભ લેવા માટે ઘણા ઓપ્શન છે.
કોમ્પિટીશન કમીશન ઉકેલ શોધશે
બેન્ચે કહ્યું, "આ એક ફ્રી માર્કેટ છે. અહીં ગ્રાહકો પાસે ઘણા વિકલ્પો છે. BSNL અને MTNL પણ તમને ઇન્ટરનેટ આપી રહ્યા છે." અરજદારે આરોપ લગાવ્યો છે કે જિયો અને રિલાયન્સ બજારના મોટા ભાગ પર કંટ્રોલ ધરાવે છે. આના પર બેન્ચે કહ્યું, “જો તમે કાર્ટેલાઈઝેશનનો આરોપ લગાવી રહ્યા છો, તો પછી કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા પાસે જાઓ.
ટેલિકોમમાં જિયો સૌથી મોટું શેરહોલ્ડર
રિલાયન્સ જિયો ભારતીય ટેલિકોમ સેક્ટરમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અનુસાર, નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન રિલાયન્સ જિયોનો કુલ ઈન્ટરનેટ સબ્સ્ક્રાઈબર્સમાં 50.40 ટકા બજાર હિસ્સો હતો. આ પછી ભારતી એરટેલ 30.47 ટકા શેર સાથે બીજા સ્થાને છે.
TRAIના 2023-2024ના વાર્ષિક અહેવાલ મુજબ, ભારતમાં ઈન્ટરનેટ ગ્રાહકોની કુલ સંખ્યા માર્ચ 2024ના અંતે વધીને 954.40 મિલિયન (95.44 કરોડ) થઈ છે, જે માર્ચ 2023ના અંતે 881.25 મિલિયન (88.12 કરોડ) થી 8.30 ટકા વધી છે.