ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ 9માં દિવસે યથાવત
- સરકારે એસ્મા લાગુ કર્યો છતાંયે કર્મચારીઓ મક્કમ રહ્યા
- યુનિયનના મહામંત્રીને છૂટા કરવાનો આદેશ અપાયો
- ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળથી તબીબી સેવાને અસર
ગાંધીનગરઃ ગુજરાતના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળિયા કર્મચારીઓ સામે સરકારે એસ્માનું શસ્ત્ર ઉગામ્યા બાદ પણ 9માં દિવસે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત રહી છે. દરમિયાન સરકારે યૂનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. એસ્મા લાગૂ હોવાથી સાબરકાંઠા જિલ્લા પંચાયતે આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો છે.
રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા પર અસર પડી છે. સરકારના આદેશ બાદ જિલ્લા પંચાયતો દ્વારા હડતાળિયા કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. સાબરકાંઠમાં આરોગ્ય વિભાગના હડતાળિયા કર્મચારીઓએ નોટીસ ફટકારવામાં આવી છે. આરોગ્ય વિભાગે 20 માર્ચથી 700થી વધુ કર્મચારીઓને કામગીરી પર આવવા માટે નોટીસ આપીને કાર્યવાહી શરૂ કરી છે. નોટીસના કારણે 117 કર્મચારીઓ પરત ફર્યા હતા, જ્યારે 7 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. 457 કર્મચારીઓએ હજુ જે હડતાળ પર છે તેમને 24 કલાકમાં ખુલાસો કરવાનું અલ્ટિમેટમ અપાયું છે.
રાજ્યના પંચાયત વિભાગના આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરવા, તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળના 9 દિવસ થયા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. હડતાળને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારા કર્મચારીઓને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આરોગ્યમંત્રીનું કહેવું છે કે, ‘આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.' 'આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે'.