ખેડાના ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે કાલે શનિવારે રાજ્યનો 76મો વન મહોત્સવ યોજાશે
- મુખ્યમંત્રી, વન મંત્રીના હસ્તે 24માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે,
- 5 હેક્ટર વિસ્તારમાં વિવિધ થીમ આધારિત આકાર વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર,
- મહીસાગર નદી કિનારે નિર્માણધીન વનમાં 300થી વધુ પ્રજાતિઓનું વાવેતર
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ વન - પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન - પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ખાસ ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે રાજ્યકક્ષાના ‘76માં વન મહોત્સવ’ની આવતીકાલ તા. 30 ઓગસ્ટ 2025ના રોજ ભવ્ય ઊજવણી કરાશે.
ખેડા જિલ્લાને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે "ગળતેશ્વર વન”ની અનોખી ભેટ મળવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે આ પ્રસંગે પાંચ હેક્ટર વિસ્તારમાં આકાર પામેલ 24માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નો સવારે 10 કલાકે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. વધુમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. મહીસાગર નદી કિનારે નિર્માણધીન આ વનમાં 300થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમ, વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ગળતેશ્વર વનના મુખ્ય આકર્ષણો
મધ્ય ગુજરાતમાં તૈયાર થયેલા રાજ્યના 24માં સાંસ્કૃતિક "ગળતેશ્વર વન”માં નવા અભિગમ સાથે આ વનમાં આકર્ષક મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, બિલિપત્ર વન, શિવલિંગ વન, શિવમૂર્તિ, ગઝેબો, બટરફ્લાય ગાર્ડન, બાળ ક્રિડાંગણ, માતૃવન, ચરોતર વિસ્તારના મહાનુભાવોને આવરી લેતું ચરોતર સંકુલ, ગળતેશ્વર ડાયરોમા, વોચ ટાવર, દુર્લભ પ્રજાતિના રોપાનું વાવેતર ધરાવતું નંદી વન, બામ્બુ મિસ્ટ ટનલ, પ્રાકૃતિક શિક્ષણ સ્થળ, મેઝ ગાર્ડન, ચેકડેમ, સારસ પંખી સ્કલ્પચર, આરોગ્ય વન, ચરક વન-પ્રતિમા, પીપળ, બેલ, આંબળા, વટ અને અશોક એમ પાંચ વૃક્ષ ધરાવતું પંચવટી વન, ગ્રહમાર્ગ કે સૂર્યમાર્ગ પર સ્થિત આવા એક કે તેથી વધુ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોને 27 ભાગમાં વિભાજીત કરીને “નક્ષત્રો” તરીકે નામ આપી ઓળખવામાં આવી છે તેવું નક્ષત્ર વન, પૌરાણિક શાસ્ત્રોમાં સમગ્ર નભોમંડળને 12 રાશિઓમાં વિભાજીત કરવામાં આવી છે તેવું રાશી વન, નવગ્રહ વન, ફોટો પોઈન્ટ, ઉધઈના રાફડાનો ઉભો છેદ, મધમાખીનું જીવનચક્ર દર્શાવતું ફોટો પોઈન્ટ, ક્રોસિંગ બ્રિજ-રેલિંગ અને સુવિધાસભર કેન્ટીન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આ ઉપરાંત ગળતેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી મહી બારમાસી નદી હોવાથી સમગ્ર પંથક હરિયાળો રહે છે. પ્રવાસીઓ માટે મહત્વ ધરાવતું આ વન તૈયાર થવાથી સ્થાનિક અર્થ તંત્રને વેગ મળતા સ્થાનિક રોજગારીના નિર્માણની સાથે આ વિસ્તારમાં નાગરિકોનું જીવન ધોરણ વધુ ઉંચુ આવશે.