બિલ અંગે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા લેવાયેલા નિર્ણયને રાજ્ય સરકાર કોર્ટમાં ના પડકારી શકે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારો વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી (કેસ) દાખલ કરી શકતી નથી, ભલે રાજ્ય કહે કે તેનાથી લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ સમક્ષ આ વાત કહી હતી. બંધારણીય બેંચમાં ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ એએસ ચાંદુરકર પણ સામેલ હતા.
મહેતાએ કહ્યું કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવા માંગે છે કે રાજ્ય સરકારો બંધારણની કલમ 32 હેઠળ આવી અરજીઓ દાખલ કરી શકે છે કે નહીં. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ એ પણ જાણવા માંગે છે કે બંધારણની કલમ 361 નો અવકાશ શું છે. આ અનુચ્છેદ કહે છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેમના અધિકારો અને ફરજોના પાલન માટે કોઈપણ કોર્ટને જવાબદાર રહેશે નહીં. મહેતાએ બંધારણીય બેંચને જણાવ્યું હતું કે આ પ્રશ્નોની ચર્ચા અગાઉ પણ થઈ ચૂકી છે. પરંતુ રાષ્ટ્રપતિનો મત છે કે કોર્ટનો સ્પષ્ટ અભિપ્રાય જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં આવો કેસ ફરીથી ઉભો થઈ શકે છે. તેમણે કહ્યું કે કલમ 32 હેઠળ, રાજ્ય સરકાર વતી રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના નિર્ણયોને પડકારતી અરજી સ્વીકારી શકાતી નથી. આવા કેસોમાં ન તો કોર્ટ કોઈ નિર્દેશ આપી શકે છે અને ન તો આ નિર્ણયોને કોર્ટમાં પડકારી શકાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે ત્યારે કલમ 32નો ઉપયોગ થાય છે. પરંતુ બંધારણીય માળખામાં, રાજ્ય સરકાર પાસે પોતે મૂળભૂત અધિકારો નથી. રાજ્ય સરકારની ભૂમિકા તેના નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે. સોલિસિટર જનરલે 8 એપ્રિલના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો રાજ્યપાલ સમય મર્યાદામાં બિલો પર નિર્ણય નહીં લે, તો રાજ્ય સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. આના પર, CJI ગવઈએ કહ્યું કે તેઓ 8 એપ્રિલના બે ન્યાયાધીશોના નિર્ણય પર કોઈ ટિપ્પણી કરશે નહીં, પરંતુ એમ પણ કહ્યું કે રાજ્યપાલ દ્વારા બિલને છ મહિના સુધી પેન્ડિંગ રાખવું યોગ્ય નથી. મહેતાએ જવાબ આપતા કહ્યું કે જો કોઈ બંધારણીય સંસ્થા તેની ફરજો બજાવતી નથી, તો તેનો અર્થ એ નથી કે કોર્ટે બીજી બંધારણીય સંસ્થાને આદેશ આપવો જોઈએ.