અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સહિત 10 ટ્રેનોની ઝડપ 160 કિમીની કરાશે
- અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રિમિયમ ટ્રેનો 130ની ઝડપે દોડી રહી છે,
- અકસ્માત ન થાય તે માટે કવચ સિસ્ટમ લગાવાઈ,
- ટ્રેક પર કર્વ ઘટાડવાની સાથે અપગ્રેડેડ ઈલેક્ટ્રિફિકેશન કરી આધુનિક સિગ્નલ સિસ્ટમ લગાવાઈ
અમદાવાદઃ ટ્રેનોમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે સૌથી વધુ પ્રવાસી ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે પ્રવાસીઓ ગંતવ્ય સ્થાને વહેલા પહોંચી શકે તે માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી 10 જેટલી પ્રમિયમ ટ્રેનોની ઝડપમાં વધારો કરવાનો રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ રૂટ પર હાલ ટ્રેનો મહત્તમ 130 કિલોમીટરની ઝડપે દોડી રહી છે. આ ટ્રેનો 160 કિલોમીટરની ઝડપે દોડાવવા માટે રેલવે દ્વારા સંપૂર્ણ રૂટને અપગ્રેડ કરાઈ રહ્યો છે. જેમાં અકસ્માત ન થાય તે માટે કવચ સિસ્ટમ લગાવાઈ રહી છે. એજ રીતે ટ્રેક પર કર્વ ઘટાડવાની સાથે અપગ્રેડેડ ઈલેક્ટ્રિફિકેશન કરી આધુનિક સિગ્નલ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે.
રેલવેના અમદાવાદ-મુંબઈ રૂટ પર લગભગ દોઢથી બે વર્ષમાં કામગીરી પૂર્ણ થયા બાદ આ રૂટ પર ટ્રેનોનું સંચાલન 160 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. ટ્રેનોની ઝડપ વધતા અમદાવાદથી મુંબઈ વચ્ચે મુસાફરીનો સમય લગભગ એક કલાક ઘટશે. વંદે ભારત, તેજસ, શતાબ્દી, દુરન્તો જેવી 5.30થી 6.30 કલાકમાં મુસાફરી પુરી કરતી ટ્રેનો એક કલાક વહેલી એટલે કે 4.30થી 5.30 કલાકમાં મુસાફરી પૂર્ણ કરશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ દેશના સૌથી વ્યસ્ત રૂટમાંથી એક મુંબઈ - દિલ્હી તેમજ મુંબઈ - અમદાવાદ રૂટ પર ટ્રેનોની ઝડપ વધારી 160 કિલોમીટરની ઝડપે દોડી શકે તે માટે રેલવેએ 2017-18માં પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેના પગલે આ રૂટ પર 8 હજાર કરોડના ખર્ચે સંપૂર્ણ રૂટને અપગ્રેડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ રૂટ અપગ્રેડ કરવાની સાથે સુરક્ષા સાધનો પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. જેમાં સંપૂર્ણ રૂટ પર અલગ અલગ સેક્શનમાં કવચ સિસ્ટમ લગાવવામાં આવી રહ્યું છે. એ જ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની સાથે ઈલેક્ટ્રિફિકેશનના ભાગરૂપે સંપૂર્ણ રૂટ પર 25 હજાર વોલ્ટની બે અલગ અલગ પાવર લાઈન નાખવામાં આવી છે. તેમજ આધુનિક ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેક પર પ્રાણીઓ પહોંચી ન જાય તે માટે સંપૂર્ણ રૂટ પર ફેન્સિંગ કરાયું છે. હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
અમદાવાદ - મુંબઈ વચ્ચે સંપૂર્ણ રૂટનું અપગ્રેડેશન થયા બાદ ટ્રેનોની ઝડપ વધશે. જેમાં પ્રીમિયમ ટ્રેનોના મુસાફરી સમયમાં એક કલાક સુધીનો ઘટાડો થવાની સાથે અન્ય ટ્રેનોની પણ ઝડપ વધતા તેમાં પણ મુસાફરી સમયમા અડધા કલાકથી એક કલાક સુધીનો ઘટાડો થશે.