લોકોને ગુનાથી દૂર રહેવાની શિખામણ આપતો કહેવાતો સમાજ સેવક જ ચોરીના ગુનાને આપતો હતો અંજામ
નવી દિલ્હીઃ ઓડિશાના ભુવનેશ્વરમાં પોલીસે એક ચોરની ધરપકડ કરી છે જે લોકોને ગુનાથી દૂર રહેવા અને સારું જીવન જીવવાનો રસ્તો બતાવતો હતો, પરંતુ વાસ્તવમાં તે પોતે ખોટા રસ્તા ચેલતો હતો. તે 'ચેન્જ યોર લાઈફ' નામની યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને દિવસે લોકોને ગુનામુક્ત જીવન જીવવાનું શીખવતો હતો. આ પછી, તે રાત્રે પોતે ચોરી કરતો હતો, પરંતુ પોલીસે તેનો પર્દાફાશ કર્યો હતો. આ ચોરની ઓળખ મનોજ સિંહ તરીકે થઈ છે, જેને ભરતપુર પોલીસે બુધવારે ખંડગીરી બારીથી ધરપકડ કરી હતી. પ્રામાણિકતા અને શિસ્તનો પાઠ શીખવનાર આ યુટ્યુબર કટકનો રહેવાસી હતો. મનોજ સિંહે પોતાની ઓળખ ઓનલાઈન સ્વ-સહાય ગુરુ તરીકે બનાવી હતી અને તે 'ચેન્જ યોર લાઈફ' નામની તેની યુટ્યુબ ચેનલ પર દરરોજ વીડિયો પોસ્ટ કરતો હતો, જેમાં ગુનામુક્ત અને સિદ્ધાંત આધારિત જીવન કેવી રીતે જીવવું તે શીખવતો હતો.
તે તેના વીડિયોમાં લોકોને સમજાવતો હતો કે, વ્યક્તિ ગુનો કેમ કરે છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો. પોલીસે ખુલાસો કર્યો કે તે ચોરીની ઘણી ઘટનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે એક કે બે નહીં પણ 10 થી વધુ કેસ નોંધાયેલા છે. 14 ઓગસ્ટના રોજ જ તેણે ભરતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 200 ગ્રામ સોનાની લૂંટ ચલાવી હતી. તેની પાસેથી 200 ગ્રામ સોનાના દાગીના અને એક લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
ખંડગીરી બારીમાં ચોરીની માહિતી મળ્યા બાદ મનોજનો પર્દાફાશ થયો હતો. ચોરીની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી અને મનોજની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મનોજ પર લગભગ એક અઠવાડિયાથી નજર રાખવામાં આવી રહી હતી, ત્યારબાદ હવે તેની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ હવે જનતાને સાવચેત રહેવા અને ઓનલાઈન ઓળખ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
14 ઓગસ્ટના રોજ મનોજે જે ઘરમાં ચોરી કરી હતી. તે ઘરના માલિકે ઘટના વિશે જણાવ્યું હતું કે તે સમયે અમે બંને ઘરે નહોતા. હું ઓફિસમાં હતી અને મારા પતિ મીટિંગમાં હતા. જ્યારે તે બપોરે 2 વાગ્યે પાછો ફર્યો ત્યારે તેણે મુખ્ય દરવાજા અને લોકર રૂમનું તાળું તૂટેલું જોયું. અમારા બધા સોનાના દાગીના અને ૫ લાખ રૂપિયા રોકડા ગાયબ હતા.