ગાંધીનગર સ્પીપા ખાતે ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું આયોજન કરાયું
- ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર ગોષ્ઠિ યોજાઈ,
- વાજપેયીજી એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતાઃ ચિનોય,
- રાજકીય બાબતોને તેમના દૃષ્ટિકોણ પર ક્યારેય હાવી થવા દીધી ન હતી,
ગાંધીનગરઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા 'અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા'નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ અંતર્ગત સ્પીપા દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન-AMAના સહયોગથી સ્પીપાના ગાંધીનગર કેમ્પસ ખાતે ‘ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (MP-IDSA), નવી દિલ્હીના ડિરેક્ટર જનરલ અને ભારતના ભૂતપૂર્વ રાજદૂત સુજન આર. ચિનોયે જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીજીનું એક વિરાટ વ્યક્તિત્વ હતું. તેઓ એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતા. વાજપેયીજીએ સત્તા, પદ, સંપત્તિ તેમજ રાજકીય બાબતોને તેમના દૃષ્ટિકોણ પર ક્યારેય હાવી થવા દીધી ન હતી. રાષ્ટ્રીય હિત, ભારતના નાગરિકોનું કલ્યાણ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તેમની નીતિઓના કેન્દ્રમાં હતા.
ભૂતપૂર્વ રાજદૂત ચિનોયે કહ્યું હતું કે, વાજપેયીજી એક પ્રભાવશાળી વક્તા હતા. તેઓ હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષા સરળતાથી બોલી શકતા હતા. વાજપેયીજી કોઈ વિચાર, નીતિ કે વિચારધારા વિરુદ્ધ ન હતા તેમજ વ્યક્તિગત સ્તરે કોઈને નારાજ કરતાં ન હતા. આવા ગુણને પરિણામે તેમના વિરોધીઓ પણ તેમની પ્રશંસા કરતા હતા.
ચિનોયે જણાવ્યું હતું કે, વર્ષ 1950ના દાયકામાં શ્રી વાજપેયીજીની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી, જે પાંચ દાયકાથી વધુ સમય સુધી ચાલી હતી. તેમણે લોકસભામાં 10 ટર્મ માટે સંસદ સભ્ય તરીકે અને રાજ્યસભામાં બે ટર્મ સુધી સેવાઓ આપી હતી. વાજપેયીજી હંમેશા ભારત સંબંધિત મુદ્દાઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં રસ ધરાવતા હતા. દેશની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ વિશે તેમના મંતવ્યો ખૂબ જ મજબૂત હતા.
ચિનોયે ઉમેર્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આંતરરાષ્ટ્રીય સંબંધો, ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોને આગળ વધારવાના તેમના પ્રયાસો ખૂબ પરિણામલક્ષી હતા. વિદેશમંત્રી અને વડાપ્રધાન બંને તરીકે વાજપેયીજી ઉત્તમ સાબિત થયાં હતા, જેનું ઉદાહરણ પાકિસ્તાન સાથે લાહોર બસ યાત્રા અને કારગિલ સંઘર્ષ દરમિયાન નિયંત્રણ રેખા પાર ન કરવાના નિર્ણય દ્વારા જોવા મળે છે. આ ઉપરાંત ચીન સાથેની તેમની વાટાઘાટો એક મહત્વપૂર્ણ સફળતા સાબિત થઈ હતી. જેના પરિણામે સિક્કિમને ભારતના અભિન્ન ભાગ તરીકે માન્યતા મળી તેમજ સરહદી વાટાઘાટો માટે ખાસ પ્રતિનિધિઓ સાથે વાતચીતનો પ્રારંભ થયો હતો. વધુમાં, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શીતયુદ્ધ પછીની વ્યૂહાત્મક ભાગીદારીના શિલ્પી તરીકે વાજપેયીજીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
તેમણે કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન વાજપેયીના નેતૃત્વમાં વર્ષ 2000થી 2005 વચ્ચેનો સમયગાળો ભારત-ચીન વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોમાં સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો. જે સમય દરમિયાન લગભગ બધી મોટી ભારતીય આઇ.ટી, ફાર્માસ્યુટિકલ જેવી વિવિધ કંપનીઓ ચીનમાં રોકાણ કરી રહી હતી. વર્ષ 2003માં શાંઘાઈની મુલાકાત દરમિયાન વડાપ્રધાન વાજપેયીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પરની પ્રથમ પરિષદને સંબોધિત કરી હતી અને ભારત-ચીનની આઈટી કંપનીઓ વચ્ચે વ્યૂહાત્મક જોડાણની હાકલ કરી હતી.