સુરતમાં આજે બીજા દિવસે રત્નકાલાકારોની હડતાળને મળ્યો નબળો પ્રતિસાદ
- વ્યાપક મંદીને લીધે રત્ન કલાકારોની હાલત કફોડી બની
- સરકારે ખાતરી આપી પણ કોઈ પેકેજ જાહેર ન કર્યું
- બીજા દિવસની હડતાળમાં ગણ્યાંગાઠ્યા હીરાઘસુ જોડાયા
સુરતઃ હીરા ઉદ્યોગ માટે સુરત મુખ્ય શહેર ગણાય છે. છેલ્લા ઘણ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. મંદીને લીધે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. ત્યારે ડાયમન્ડ એસો.એ મુખ્યમંત્રીને મળીને રત્ન કલાકારો માટે આપ્થિક પેકેજ જાહેર કરવાની માગ કરી હતી. પણ સરકારે કોઈ નિર્ણય ન લેતા રવિવારે શહેરમાં રત્નકાલાકારોએ હડતાળ પાડીને રેલી યોજી હતી. દરમિયાન આજે બીજા દિવસે પણ રત્ન કલાકલાકારોએ હડતાળનું એલાન કરતા તેને નબળો પ્રતિસાદ મળ્યો હતો. મોટાભાગના રત્નકલાકારો હડતાળથી દૂર રહ્યા હતા. બે થી ત્રણ કારખાનાના કામદારો જ હડતાળમાં જોડાયા હતા.
સુરત શહેરમાં રત્ન કલાકારોના પગાર વધારાની માંગણી વધુ તેજ બની રહી છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વના ફલક ઉપર ઝળહળતો રહ્યો છે. વૈશ્વિક મંદી અને યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગો કફોડી હાલતમાં મુકાયો છે. અમેરિકા અને ચીન જેવા દેશોમાં પણ મંદિરની અસર દેખાતા હીરા ઉદ્યોગમાં તેનું સીધું ગ્રહણ લાગ્યું હતું. આજે પણ હીરા ઉદ્યોગમાં જે તેજી હોવી જોઈએ તે પ્રકારની દેખાતી નથી તેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે. રવિવારે હડતાળ પાડ્યા બાદ આજે સોમવારે સતત બીજા દિવસે પણ રત્નકલાકારો સ્વયંભુ હડતાળમાં જોડાવાનું આહવાન કરાયું હતું. પરંતુ, મોટાભાગના રત્નકલાકારો હડતાળથી દૂર રહ્યા હતા. બે થી ત્રણ કારખાનાના કામદારો જ હડતાળમાં જોડાયા હતા.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી પંકજ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો આજે કામથી અળગા રહ્યા હતા અને હડતાલ પર ઉતર્યા હતા. રત્ન કલાકારોએ પોતાની વ્યથા સાથે હડતાલ ઉપર ઉતરવાના નિર્ણયને લઈને વાત કરી હતી. સુરતમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. ડાયમંડ ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પહેલા જેવો પગાર આપી રહ્યા નથી. એક અંદાજ મુજબ રત્ન કલાકારોની આવક ઉપર 30 ટકા કરતાં વધુનો કાપ સરેરાશ મુકાઈ ગયો છે. કામના કલાકોમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે. કામનો સમય ઓછો કરતાં સ્વભાવિક રીતે જ રત્ન કલાકારો વધારે હીરા ઘસી શકતા નથી તેને કારણે મહિનાના અંતે તેમની જે સેલરી થવી જોઈએ તે થઈ રહી નથી. આથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના સૂત્રોએ જણાવ્યું કે, આજે સાતથી આઠ અલગ અલગ વિસ્તારોમાં રત્ન કલાકારો કામકાજથી અળગા રહ્યા છે. ગઈકાલે પણ રત્ન કલાકારોને અપીલ કરી હતી કે સ્વયંભૂ રીતે શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરજો, કોઈપણ પ્રકારે રસ્તા ઉપર ઉતરવાની અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવો નહીં. જો આ રત્ન કલાકારો રસ્તા ઉપર આવી ગયા તો તકલીફ પડશે તેથી હું કંપનીના સંચાલકોને અપીલ કરું છું કે રત્ન કલાકારોના ભાવ વધારા માટે ઉચ્ચ સ્તરની કમિટી બનાવવા માટે તેઓ પોતે આગળ આવે. સરકારને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે કમિટમેન્ટ કરવામાં આવ્યું છે તે પ્રકારે રત્ન કલાકારોને મદદ કરવી જાઈએ.