For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ તો વર્ષોથી ચાલે છે, પણ તંત્રને હવે જાણ થઈ !

03:41 PM Dec 17, 2024 IST | revoi editor
આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ તો વર્ષોથી ચાલે છે  પણ તંત્રને હવે જાણ થઈ
Advertisement
  • ક્રાઈમ બ્રાન્ચની ટીમે PM-JAY કાર્ડ બનાવી આપનારી ટોળકીનો પર્દાફાશ કર્યો,
  • PM-JAY કાર્ડ કઢાવી આપવામાં તંત્રની પણ મીલીભગત,
  • ક્રાઈમ બ્રાન્ચે 6 શખસોની અટકાયત કરી

અમદાવાદઃ ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું કૌભાંડ તો વર્ષોથી ચાલે છે,  સરકારી હોય કે ખાનગી હોસ્પિટલોમાં એજન્ટો બેઠા જ હોય છે. અપૂરતા ડોક્યુમેન્ટ હોય તો પણ દર્દીઓને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપતા હોય છે. અને દર્દીઓ અને તેમના સગાઓ એવું વિચારતા હોય છે કે, સારવારમાં હજારો રૂપિયા બચતા હોય તો થોડાઘણા રૂપિયા આપીને આયુષ્યમાન કઢાવવું શું ખોટું છે, આયુષ્યમાન કઢાવવા આખી ચેઈન ચાલે છે. જેમાં તંત્રની પણ મીલીભગત હોય છે. આરોગ્ય વિભાગ પણ આ કૌભાંડથી અજાણ નથી,પણ જેમ ચાલે છે, તેમ ચાલવા દ્યો એ નીતિથી જ ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ પણ કમાણીનું સાધન બનાવી દીધુ હતું. ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ મેડીકલ માફીયાઓની પોલ એક પછી એક પ્રકાશમાં આવી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે પાત્રતા વગરના લોકોને PM-JAY કાર્ડ બનાવી આપનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ એકાદ બે નહી પરંતુ ત્રણ હજારથી વધુ લોકોને PM-JAY કાર્ડ બનાવી આપીને કૌભાંડ આચર્યુ હતુ.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ, ભાવનગર અને સુરતના 6 શખસોએ સરકારને મોટાપાયે ચૂનો લગાવીને કૌભાંડ આચર્યુ હતું. PM-JAY કાર્ડ બનાવવા માટેના કેટલાક નિયમો તેમજ ધારાધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક લોકો પોતાની આવક છુપાવીને PM-JAY કાર્ડ કાઢાવી લેતા હોય છે. આ કૌભાડમાં કેટલાક સરકારી બાબુઓની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતા છે. ખ્યાતિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક તથ્યો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે PM-JAY કાર્ડ બનાવવામાં જે લોકો પાત્રતા ધરાવતા ના હોય તેમને પણ આ યોજનાના કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો ઘટસ્ફોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે અને 6 શખસોની ધરપકડ કરી છે. નકલી પુરાવાના આધારે એજન્ટો અસલી PM-JAY કાર્ડ બનાવી આપતા હતા. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમદાવાદ, ભાવનગર અને સુરતમાં કેટલાક લોકો બોગસ આવકનું પ્રમાણપત્ર ઉભુ કરીને PM-JAY કાર્ડ બનાવી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે છટકુ ગોઠવીને 6 શખસોની અટકાયત કરી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, આ ગેંગ દ્વારા ત્રણ હજાર લોકોને PM-JAY કાર્ડ બનાવી આપ્યા હતા અને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતું.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ પાત્રતા વગરના લોકોની પાસે કોઈ જ દસ્તાવેજ ન હોય અને તેઓ રૂપિયા આપે તો પણ કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. આ 6 આરોપીઓ એજન્ટ પણ છે અને આ કૌભાંડમાં અન્ય લોકો  સામેલ હોવાની શક્યાતા છે. ક્રાઇમ બ્રાંચ 6  શખસોની  ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી રહી છે. આ યોજના હેઠળના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે તેમની પર પણ તવાઈ આવી શકે છે. કારણ કે, તેમની સંડોવણી વગર આ કાર્ડ બની જ ન શકે.  પકડાયેલા છ શખસો  ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ PMJAY યોજનાના કાર્ડ બનાવી આપતા હોવાની પણ આશંકા છે. જોકે, પૂછપરછમાં સામે આવશે કે તેઓ આ કાર્ડ કોની કોની સંડોવણીથી બનાવતા હતા. આ ગેંગ દ્વારા ત્રણ હજાર કાર્ડ બનાવાયા છે જ્યારે ખ્યાતિ હોસ્પિટલ 100 જેટલા PM-JAY કાર્ડ બનાવી દીધા છે. હાલ ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કાંડમાં કોઇ પણ સંડોવાયેલો હશે તેને છોડવામાં આવશે નહી. ક્રાઇમ બ્રાંચે સરકારને ચુનો લગાવવાનું સૌથી મોટુ કૌભાડ ઝડપી પાડ્યુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement