For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સંઘે પોતાની સ્થાપનાથી જ રાષ્ટ્રનિર્માણને જીવનનું ધ્યેય બનાવ્યું

12:42 PM Oct 02, 2025 IST | revoi editor
સંઘે પોતાની સ્થાપનાથી જ રાષ્ટ્રનિર્માણને જીવનનું ધ્યેય બનાવ્યું
Advertisement

Advertisement

(નરેન્દ્ર મોદી, વડાપ્રધાન)

એક સદી પહેલા, પવિત્ર વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. આ કોઈ સંપૂર્ણ નવી રચના નહોતી. આ તો ભારતની શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો એક નવો અવતાર હતો, જે સમયાનુસાર પડકારોનો સામનો કરવા માટે અલગ-અલગ સ્વરૂપોમાં પ્રગટ થતો રહ્યો છે. આપણા સમય માટે સંઘ એ જ અવિનાશી રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિબિંબ છે. આપણા પેઢીના સ્વયંસેવકો માટે આ સદભાગ્યની વાત છે કે અમે સંઘના શતાબ્દી વર્ષના સાક્ષી બની રહ્યા છીએ.

Advertisement

આ ઐતિહાસિક અવસર પર, હું દેશ અને સમાજ સેવા માટે અવિરત પ્રતિબદ્ધ રહેતા અસંખ્ય સ્વયંસેવકોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. તેમજ સંઘના સ્થાપક, અમારા પ્રેરણાસ્તંભ પરમ પૂજ્ય ડૉ. હેડગેવારજીને નમન કરું છું. સંઘના શાનદાર સો વર્ષના પ્રવાસને ચિહ્નિત કરવા માટે ભારત સરકારે એક વિશેષ ટપાલ ટિકિટ અને સ્મૃતિચિહ્ન સિક્કો જાહેર કર્યો છે.

માનવ સંસ્કૃતિઓ મહાન નદીઓના કિનારે ફૂલીફાલી છે. તેવી જ રીતે સંઘના પ્રભાવથી અસંખ્ય જીવનોએ વિકાસનો માર્ગ મેળવ્યો છે. નદી જે જમીનને સ્પર્શે છે તેને તે પોતાના જળથી સમૃદ્ધ બનાવે છે. એ જ રીતે સંઘે રાષ્ટ્રના દરેક ખૂણાને, સમાજના દરેક ક્ષેત્રને પોષણ આપ્યું છે. ઘણી વખત નદી વહેતાં વહેતાં અનેક ઉપનદીઓમાં વહેંચાઈને પોતાનો વ્યાપ વધારી લે છે. સંઘના પ્રવાસમાં પણ આવું જ બન્યું છે. તેના વિવિધ અનુસંગિક સંગઠનો દ્વારા સંઘ શિક્ષણ, કૃષિ, સામાજિક કલ્યાણ, આદિવાસી કલ્યાણ, મહિલા સશક્તિકરણ વગેરે જીવનના દરેક ક્ષેત્રમાં કાર્ય કરે છે. તેમનાં કાર્યક્ષેત્રો જુદા હોવા છતાં એક જ ભાવના અને એક જ સંકલ્પ છે – ‘રાષ્ટ્ર પ્રથમ’.

સંઘે પોતાની સ્થાપનાથી જ રાષ્ટ્રનિર્માણને જીવનનું ધ્યેય બનાવ્યું છે. આ સિદ્ધ કરવા માટે તેણે વ્યક્તિનિર્માણનો માર્ગ પસંદ કર્યો. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ – આ સંઘનો માર્ગ રહ્યો છે. આ માટે સંઘે દૈનિક શાખાની સરળ, અનોખી અને ટકાઉ પદ્ધતિ અપનાવી. શાખા એ એવું પ્રેરણાદાયી સ્થાન છે, જ્યાં દરેક સ્વયંસેવક પોતાની સફર ‘હું થી આપણે’ તરફ આરંભે છે અને વ્યક્તિગત રૂપાંતર અનુભવતો જાય છે.

સંઘના સો વર્ષના પ્રવાસની પાયા એક મહાન રાષ્ટ્રીય મિશન, વ્યક્તિગત પરિવર્તનનો માર્ગ અને શાખાની પ્રાયોગિક પદ્ધતિ પર ટકેલી છે. આ ત્રણે માધ્યમોથી સંઘે લાખો સ્વયંસેવકોને ઘડ્યા છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં ભારતને આગળ ધપાવી રહ્યા છે.

સ્થાપનાના પ્રથમ દિવસથી જ સંઘે રાષ્ટ્રને પોતાની પ્રથમ પ્રાથમિકતા બનાવી છે. પરમ પૂજ્ય ડૉ. હેડગેવારજી અને અનેક સ્વયંસેવકો સ્વતંત્રતા સંઘર્ષમાં સક્રિય રહ્યા. ડૉ. હેડગેવારજીને ઘણી વખત કેદ પણ કરવામાં આવ્યા. સંઘે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને સહાયતા અને રક્ષણ પણ પૂરૂં પાડ્યું. સ્વતંત્રતા પછી પણ સંઘ દેશસેવામાં અવિરત લાગેલું રહ્યું.

આ પ્રવાસ દરમ્યાન સંઘને કચડી નાખવાના કાવતરાં અને પ્રયાસો પણ થયા. સંઘના દ્વિતીય સરસંઘચાલક પરમ પૂજ્ય ગુરુજીને ખોટા કેસમાં ફસાવીને કેદ પણ કરવામાં આવ્યા. પરંતુ સંઘે કદી કડવાશને જગ્યા આપી નહોતી, કારણ કે સ્વયંસેવકોનું માનવું છે – “અમે સમાજથી અલગ નથી. સમાજ તો આપણામાંથી બનેલો છે.” આ સમાજ સાથેની એકરૂપતાની ભાવના અને બંધારણ તથા બંધારણીય સંસ્થાઓ પ્રત્યેનો અડગ વિશ્વાસ સ્વયંસેવકોને સંકલ્પબદ્ધ રાખ્યો અને કઠિન સંજોગોમાં પણ સમાજ પ્રત્યે સંવેદનશીલ રાખ્યો.

સંઘ હંમેશાં દેશપ્રેમ અને સેવાથી ઓળખાય છે. વિભાજન દરમિયાન જ્યારે લાખો પરિવારો ઘરવિહોણા બન્યા, ત્યારે સ્વયંસેવકો આગળ આવીને શરણાર્થીઓની સેવા માટે ઉભા રહ્યા. દરેક આપત્તિમાં, મર્યાદિત સંસાધનો હોવા છતાં, સ્વયંસેવકો પ્રથમ પંક્તિમાં સેવા આપવા તત્પર રહ્યા છે. તેમની દ્રષ્ટિએ આ માત્ર રાહતકાર્ય નથી, પરંતુ રાષ્ટ્રની આત્માને મજબૂત કરવાની પ્રક્રિયા છે. પોતાના પર કષ્ટો સહન કરીને બીજાના દુઃખને હળવા કરવાનું દરેક સ્વયંસેવકનું ધ્યેય છે.

એક સદીના પ્રવાસમાં સંઘે સમાજના વિવિધ વર્ગોમાં સ્વાભિમાન અને આત્મવિશ્વાસ જગાવ્યો છે. તેણે દેશના અત્યંત દૂરદરાજ અને દુર્ગમ વિસ્તારોમાં પણ કાર્ય કર્યું છે. દાયકાઓથી આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને મૂલ્યોને સાચવવા અને પોષવા માટે સંઘ સમર્પિત રહ્યો છે. આજે સેવા ભારતી, વિદ્યાભારતી, એકલ વિદ્યાલય અને વનવાસી કલ્યાણ આશ્રમ જેવી સંસ્થાઓ આદિવાસી સમાજના સશક્તિકરણના મજબૂત આધારસ્તંભ બની ગઈ છે.

સદીઓથી જાતિભેદ અને અસ્પૃશ્યતા હિંદુ સમાજ માટે પડકાર રહ્યાં છે. ડૉ. હેડગેવારજીના સમયથી લઈને આજદિન સુધી સંઘનો દરેક સભ્ય, દરેક સરસંઘચાલક આ ભેદભાવ સામે લડ્યા છે. પરમ પૂજ્ય ગુરુજીએ સતત ‘ना हिन्दुः पतितो भवेत्’ (કોઈ હિંદુ કદી પણ પતિત નથી) ના સંદેશને આગળ ધપાવ્યો. પૂજ્ય બાલાસાહેબ દેવરસજીએ સ્પષ્ટ કહ્યું હતું: “જો અસ્પૃશ્યતા ખોટી નથી, તો દુનિયામાં બીજું કંઈ ખોટું નથી.” ત્યારબાદ પૂજ્ય રાજજુભૈયા જી અને પૂજ્ય સુદર્ષનજી એ સંદેશને આગળ ધપાવતા રહ્યા. આજના સમયમાં વર્તમાન સરસંઘચાલક માનનીય મોહન ભાગવતજીએ સ્પષ્ટ આહ્વાન આપ્યું છે –એક કૂવો, એક મંદિર, એક શમશાન – સૌ માટે સમાન.

સંઘની સ્થાપના સમયે સમયના પડકારો આજના પડકારોથી જુદા હતા. આજે જ્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે નવા પડકારો ઊભા થયા છે – વિદેશી આધાર, એકતાને તોડવાના કાવતરાં, ઘૂસણખોરી દ્વારા જનસાંખ્યિક ફેરફારો વગેરે. અમારી સરકાર તેનો સક્રિયતાથી સામનો કરી રહી છે. મને આનંદ છે કે સંઘે પણ તેને પહોંચી વળવા માટે ચોક્કસ માર્ગરૂપ (રોડમેપ) તૈયાર કર્યું છે.

સંઘના ‘પંચ પરિવર્તન’ આજના પડકારો સામે લડવાનો માર્ગ બતાવે છે:

  • સ્વ-બોધ (Sva-Bodh): સ્વજાગૃતિથી આપણે ઔપનિવેશિક માનસિકતામાંથી મુક્ત થઈએ છીએ, આપણા વારસામાં ગૌરવ અનુભવીએ છીએ અને સ્વદેશી સિદ્ધાંતને આગળ ધપાવીએ છીએ.
  • સામાજિક સમરસતા (Samajik Samrasta): વંચિતોને પ્રાથમિકતા આપીને સામાજિક ન્યાય દ્વારા સમરસતા લાવવી. આજે ઘૂસણખોરીથી સર્જાયેલા જનસાંખ્યિક અસંતુલનથી સામાજિક સમરસતા માટે ગંભીર પડકાર ઊભો થયો છે. તેને પહોંચી વળવા માટે રાષ્ટ્રે ઉચ્ચ સ્તરીય ડેમોગ્રાફી મિશનની જાહેરાત કરી છે.
  • કુટુંબ પ્રબોધન (Kutumb Prabodhan): કુટુંબ એ આપણા સંસ્કૃતિનું પાયાનું સ્તંભ છે, જે કુટુંબ મૂલ્યો દ્વારા મજબૂત બને છે.
  • નાગરિક શિસ્તાચાર (Nagrik Shishtachar): દરેક નાગરિકમાં નાગરિક સંસ્કાર અને જવાબદારીની ભાવના જગાવવી જરૂરી છે.
  • પર્યાવરણ (Paryavaran): આવતી પેઢીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પર્યાવરણનું રક્ષણ અતિ મહત્વપૂર્ણ છે.

આ સંકલ્પોના માર્ગદર્શન હેઠળ સંઘ હવે પોતાની આગલી સદીની યાત્રા શરૂ કરે છે. 2047 સુધીમાં વિકસિત ભારતની નિર્માણ યાત્રામાં સંઘનો યોગદાન નિર્ણાયક બનશે. ફરી એક વાર, હું દરેક સ્વયંસેવકને શુભેચ્છાઓ પાઠવું છું.

Advertisement
Tags :
Advertisement