For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઋષિમુનિઓએ આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનિય કામ કર્યું છેઃ રાજ્યપાલ

05:46 PM Apr 21, 2025 IST | revoi editor
ઋષિમુનિઓએ આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનિય કામ કર્યું છેઃ રાજ્યપાલ
Advertisement
  • જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29 મો ૫દવીદાન સમારોહ યોજાયો
  • 1841 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત,  
  • એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છેજ્યારે આયુર્વેદ રોગોનો જડમૂળથી નાશ કરે

  જામનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા  ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29 મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી 1841  વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાઘિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી. ઉત્તમ સ્વાસ્થ્ય થકી જ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા શક્ય બને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ શરીરનું સ્વસ્થ હોવું આવશ્યક છે. ત્યારે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટે અકલ્પનિય કામ કર્યું છે. ભારતના ઋષિઓ રિસર્ચ સ્કોલર હતા, જેઓએ દરેક ક્ષેત્રમાં સંશોધનો કર્યા અને આયુર્વેદને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યું હતું.

આયુર્વેદના 'લંધનમ પરમ ઔષધમ'ના મંત્રને જીવનમાં ઉતારવાનું કહી તેનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ઉચિત આહાર-વિહાર અને જીવન શૈલી થકી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવી શકાય છે. રાજ્યપાલએ સૌને આયુર્વેદ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી વૈદિક ઋષિઓએ આપેલી આ અણમોલ ચિકિત્સા પદ્ધતિ તરફ વળવા અને રોજિંદા જીવનમાં તેને અપનાવવા અનુરોધ કર્યો હતો.

Advertisement

એલોપેથી તેમજ રસાયણોથી બનેલી દવાઓ રોગો તથા દર્દોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદની અનુપમ વિદ્યા સંપૂર્ણ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે. આજે ભેળસેળયુક્ત ખોરાક, અવ્યવસ્થિત જીવનશૈલી તેમજ આહાર વિહારના દુરુપયોગને કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બન્યું છે. ત્યારે, આયુર્વેદે આપેલા સંયમ અને ચિકિત્સા પદ્ધતિ આપણને રોગોમાંથી કાયમી મુક્ત કરી સ્વસ્થ જીવન આપી શકે છે તેમ જણાવી આયુર્વેદના પંચકર્મ અને ચિકિત્સા પદ્ધતિ થકી મેળવેલ સ્વસ્થતા વિશેના પોતાના અનુભવો રાજ્યપાલએ વર્ણવ્યા હતા.

પદવી પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને શીખ આપતાં રાજ્યપાલએ જણાવ્યું કે, આગામી કારકિર્દીમાં આજે અહીં લીધેલા સંકલ્પને સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરજો. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા તેમજ પરંપરાગત વિદ્યાને ઉત્તેજન આપવા પ્રયત્નશીલ છે, ત્યારે તમે સૌ પણ આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધો, આ વિદ્યા થકી માનવતાનું કલ્યાણ થાય અને લોકો રોગમુક્ત બને તે દિશામાં કામગીરી કરજો.

આ તકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તકનીકી શિક્ષા મંત્રી  ઋષિકેશભાઈ પટેલે પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આયુર્વેદને ગ્લોબલ બનાવવાના પ્રયાસોને કારણે વિશ્વના અનેક દેશોએ આયુર્વેદની સ્વીકૃતિ કરી છે. લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આજે પદવી મેળવી વૈદ્ય બનનાર સૌ વિદ્યાર્થીઓનું છે. ગુજરાતમાં આયુર્વેદિક સારવાર લઈ રહેલા લોકોમાં થઈ રહેલો વધારો સૂચવે છે કે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. જે જાળવી રાખવા માટે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી  ગુજરાત સરકાર પણ અનેક પગલાં લઈ રહી છે.

આ અવસરે ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા  સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોઘન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. આયુર્વેદ અને અન્ય વિદ્યાશાખાઓના સંયોજનથી સમાજ ઉત્કર્ષ અને માનવવિકાસના નૂતન દ્વાર ખુલશે.

Advertisement
Tags :
Advertisement