માઉન્ટ આબુ જતો રોડ ધોવાઈ જતા કાલે બુધવાર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી
- માઉન્ટના પર્વતિય માર્ગે જમીન ધસી પડતા રોડ ધોવાઈ ગયો,
- પ્રશાસને હોટલ સંચાલકોને પણ રૂમ બુકિંગ ન કરવાની સુચના આપી,
- તૂટી ગયેલા માર્ગને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ
આબુઃ માઉન્ટ આબુ જતો મુખ્ય રોડ પરનો એક ભાગ ભારે વરસાદને લીધે ધોવાઈ જતા વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. હાલ પર્વતિય વિસ્તારમાં તૂટી પડેલા આ રોડના મરામતનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. હાલ આ રોડ આવતી કાલ બુધવાર સુધી વાહન-વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. તેમજ હોટલ સંચાલકોને પણ પ્રવાસીઓનું બુકિંગ ન કરવાની સુચના આપવામાં આવી છે.
આબુથી માઉન્ટ આબુ જતો હીલ વિસ્તારનો રોડ સાત ધૂમ વિસ્તાર પાસે ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત આબુરોડ તળેટીથી માઉન્ટ આબુ વચ્ચેનો માર્ગ પણ બપોર બાદ ધોવાઈ ગયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને રાત્રે 8:30થી સવારે 6:00 વાગ્યા સુધી માત્ર આવશ્યક સેવાઓના વાહનોને જ પ્રવેશની મંજૂરી આપી હતી. હાલમાં માત્ર સ્થાનિક લોકોને જ પ્રવેશની છૂટ આપવામાં આવી છે. પ્રશાસને હોટલ સંચાલકોને પણ સૂચના આપી છે કે તેઓ કોઈપણ પર્યટકને રૂમ ન આપે. પર્યટકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવતા શનિવાર-રવિવાર પછી જ માઉન્ટ આબુની મુલાકાત લે, જ્યાં સુધી માર્ગોનું સમારકામ પૂર્ણ ન થાય. ભારે વાહનો, સરકારી અને ખાનગી બસો તેમજ ઓવરલોડ ટ્રકોને માઉન્ટ આબુ પર આવવા દેવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ જતા નાના વાહનોને માઉન્ટ આબુમાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે. હોટેલ માલિકોને આગામી 3 દિવસ માટે હોટલો ખાલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
માઉન્ટ આબુના સાત ધૂમ નજીક રોડની એક સાઈડની દિવાલ તૂટી પડતા તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને તૂટી ગયેલા માર્ગને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જ પ્રવાસીઓ માટે ફરીથી માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે. આ નિર્ણય સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પ્રવાસીઓ માઉન્ટ આબુની મુસાફરી ટાળે અને તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.